૨૦૩૫ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ભારતીયને ચન્દ્ર પર મોકલવાનો ટાર્ગેટ

18 October, 2023 12:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને ઇસરોના સાયન્ટિસ્ટ્સની સાથે હાઈ લેવલ રિવ્યુ-મીટિંગ કરીને આ લક્ષ્યાંકો નક્કી કર્યા

નવી દિલ્હીમાં ગઈ કાલે ગગનયાન​ મિશન અને ભારતના ભાવિ સ્પેસ મિશનની પ્રગતિની સમીક્ષા કરવા માટેની હાઈ લેવલ મીટિંગ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી અને ઇસરોના ચીફ એસ. સોમનાથ. એ.એન.આઇ.

નવી દિલ્હીઃ ગગનયાન મિશનની ગતિ અને સ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોના સાયન્ટિસ્ટ્સની સાથે એક હાઈ લેવલ રિવ્યુ-મીટિંગ કરી હતી. પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસે ગઈ કાલે આ જાણકારી આપી હતી. 
આ મીટિંગમાં ઇસરોએ વિશ્વાસ અપાવ્યો હતો કે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસે પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ ગગનયા​ન મિશનની તમામ વિગતો રજૂ કરી હતી. સાથે જ ભવિષ્યના પ્રોજેક્ટ્સ અને મિશન વિશે પણ જણાવ્યું હતું. 
ઇસરોએ જણાવ્યું હતું કે ગગનયાન મિશન માટે જે પ્રકારના રૉકેટની જરૂર છે એ બની રહ્યું છે. આ એક હ્યુમન રેટેડ લૉન્ચ વેહિકલ છે. અત્યારે આ રૉકેટની આગામી ત્રણ માનવરહિત ઉડાન દરમ્યાન ૨૦થી વધારે ટેસ્ટ્સ થશે. આ રૉકેટ દ્વારા જ ઇન્ડિયન ઍરફોર્સના પાઇલટ્સને ઍસ્ટ્રોનોટ્સ માટેની ટ્રેનિંગ આપીને અવકાશમાં મોકલવામાં આવશે. ગગનયાન મિશનનું ફાઇનલ લૉન્ચિંગ ૨૦૨૫ સુધીમાં થશે.
પીએમ નરેન્દ્ર મોદીએ ઇસરોને આદેશ આપ્યો છે કે તેઓ ૨૦૩૫ સુધીમાં ઇન્ડિયન સ્પેસ સ્ટેશન બનાવે. ૨૦૪૦ સુધીમાં ચન્દ્ર પર કોઈ ભારતીયને મોકલવાની તૈયારી કરવામાં આવે. મોદી ચન્દ્રયાન-૩ અને આદિત્ય-L1ની સફળતાથી ખુશ હતા. વડા પ્રધાનની સૂચના બાદ ઇસરોએ કહ્યું હતું કે તેઓ ચન્દ્ર પર શોધ કરવા માટે પ્લાન તૈયાર કરીને શૅર કરશે. 

national news narendra modi isro