13 November, 2023 10:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાને ચીનની બૉર્ડરની નજીક સૈનિકોની સાથે દિવાળીની ઉજવણી કરી
નવી દિલ્હી ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે હિમાચલ પ્રદેશના લેપચામાં સિક્યૉરિટી ફોર્સિસના જવાનોની સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. વડા પ્રધાને તેમની આ મુલાકાતના ફોટોગ્રાફ્સ એક્સ પ્લૅટફૉર્મ પર શૅર કર્યા હતા.
આ ફોટોગ્રાફ્સમાં તેઓ આર્મીના જૅકેટ અને કૅપમાં જોવા મળ્યા હતા. તેઓ સિક્યૉરિટી ફોર્સિસના જવાનોની સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લામાં સ્થિત લેપચા ચેકપોસ્ટ ચીન સાથેની બૉર્ડરની નજીક છે. આ પોસ્ટમાં ફ્રન્ટલાઇન પર ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ અને આર્મીના જવાનો તહેનાત છે.
જવાનોની સાથે દિવાળીનું સેલિબ્રેશન કર્યા બાદ વડા પ્રધાને તેમને સંબોધતાં કહ્યું હતું કે ‘કહેવાય છે પર્વ ત્યાં જ હોય છે કે જ્યાં પરિવાર હોય છે. પર્વના દિવસે પોતાના પરિવારથી દૂર બૉર્ડર પર તહેનાત રહેવું, એ પોતાની રીતે કર્તવ્યનિષ્ઠાની પરાકાષ્ઠા છે. પરિવારની યાદ દરેકને આવે છે, પરંતુ તમારા ચહેરા પર ઉદાસીનતા જોવા મળતી નથી. તમારા ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો થયો નથી. તમે ઉત્સાહથી ભરપૂર છો, કેમ કે તમે જાણો છો કે દેશના ૧૪૦ કરોડ લોકોનો આ મોટો પરિવાર પણ તમારો પોતાનો જ છે અને દેશ તમારો કૃતજ્ઞ છે, ઋણી છે.’
તેમણે વધુ કહ્યું હતું કે ‘કહેવામાં આવે છે કે એ જ અયોધ્યા છે કે જ્યાં ભગવાન શ્રીરામ છે અને મારા માટે જ્યાં ઇન્ડિયન આર્મી છે, જ્યાં મારા દેશના સિક્યૉરિટી ફોર્સિસના જવાનો તહેનાત છે એ સ્થળ કોઈ મંદિરથી ઓછું નથી. જ્યાં તમે છો ત્યાં જ મારો ફેસ્ટિવલ છે.’
મોદીએ કહ્યું હતું કે ‘૩૦થી ૩૫ વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો, એવી કોઈ દિવાળી નથી ગઈ કે જેને મેં તમારા લોકોની વચ્ચે નથી ઊજવી. જ્યારે હું સીએમ, પીએમ નહોતો, એ સમયે પણ ભારતના સંતાન તરીકે દિવાળી પર હું કોઈને કોઈ બૉર્ડર પર ચોક્કસ જતો હતો.’