દેશના કેટલાક ભાગમાં ૧૨૦થી ૧૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ વેચાય છે.
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના મોટા ભાગના વિસ્તારમાં
ટમેટાંના ભાવ આકાશે પહોંચી ગયા છે. લાલ ટમેટાં અત્યારે ગ્રાહકોને લાલ આંખ બતાવવા લાગ્યાં છે. જે ટમેટાં થોડા દિવસ પહેલાં માત્ર ૨૦થી ૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતાં હતાં એ હવે દેશના કેટલાક ભાગમાં ૧૨૦થી ૧૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ વેચાય છે. ટમેટાંની સાથે વેજિટેબલ્સના ભાવ પણ આકાશે પહોંચ્યા છે.
કર્ણાટકમાં ટમેટાંના ભાવમાં ૨૦૦ ટકાનો વધારો
સમગ્ર કર્ણાટકમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં ટમેટાંના ભાવમાં ૨૦૦ ટકા સુધીનો વધારો થયો છે. સોમવારે ટમેટાંનો ભાવ ૧૨૫ રૂપિયા પ્રતિ કિલો હતો. મેના ત્રીજા અઠવાડિયામાં ભાવ ૪૦ રૂપિયા પ્રતિ કિલો હતો.
શૉર્ટેજના કારણે ગુવાહાટીમાં ભાવવધારો
આસામમાં આવેલા પૂરના કારણે સપ્લાયની શૉર્ટેજના કારણે ગુવાહાટીમાં શાકભાજીની કિંમત આકાશે પહોંચી છે.
પશ્ચિમ બંગાળવાસીઓ પર પણ ભાવવધારાનો બોજો
પશ્ચિમ બંગાળમાં ટમેટાંની રીટેલ કિંમત એક મહિના પહેલાં ૧૩થી ૧૪ રૂપિયા પ્રતિ કિલો હતી એ અત્યારે વધીને ૪૩થી ૪૭ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. બંગાળમાં ટમેટાં જ નહીં, આદું, ભીંડાં, લીલા મરચાંથી લઈને રીંગણ અને બટાટાના ભાવમાં પણ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં વધારો થયો છે.
એમપીમાં ટમેટાં ૧૦૦થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે
મધ્ય પ્રદેશના ટાઉન બુરહાનપુરમાં ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટમાં અનેક સીઝનલ વેજિટેબલ્સના ભાવ આકાશે પહોંચ્યા છે. થોડાં અઠવાડિયાં પહેલાં જે વેજિટેબલ્સના ભાવ ૫૦ રૂપિયા કે એનાથી ઓછા હતા એ હવે ૧૦૦ રૂપિયાથી વધુ થઈ ગયા છે. હોલસેલ ટ્રેડર્સ અનુસાર ટમેટાં અને લીલા મરચાં ૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા. જોકે હવે ટમેટાં ૧૦૦થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. એ જ રીતે લીલા મરચાંના ભાવ પણ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાથી વધી ગયા છે.
જયપુરમાં આદુંના ભાવ ૧૯૫ રૂપિયા પ્રતિ કિલો
જયપુરની મુહાના મંડીમાં ટમેટાં અને આદુંના ભાવમાં તાજેતરમાં ખૂબ જ વધારો થયો છે. ટમેટાંના ભાવ અત્યારે ૬૦થી ૬૫ રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે આદુંના ભાવ ૧૯૦થી ૧૯૫ રૂપિયા પ્રતિ કિલો છે.
મેટ્રો સિટીઝમાં પણ ટમેટાંના ભાવમાં વધારો
ચાર મેટ્રો સિટીની વાત કરીએ તો દિલ્હીમાં ટમેટાંની રીટેલ પ્રાઇસ ૬૦ રૂપિયા, મુંબઈમાં ૪૨ રૂપિયા, કલકત્તામાં ૭૫ રૂપિયા અને ચેન્નઈમાં ૬૭ રૂપિયા છે. દિલ્હીના મધર ડેરીના સફળ સ્ટોર્સમાં ટમેટાંના ભાવ એક સપ્તાહમાં બમણા થઈને ૮૦ રૂપિયા કિલોના થઈ ગયા છે. ફેરિયાઓ સ્થળ અને ગુણવત્તાના ધોરણે ૮૦થી ૧૨૦ રૂપિયા કિલોના ભાવે ટમેટાંનું વેચાણ કરે છે.
ટૂંક સમયમાં ટમેટાંની કિંમત ઘટી જશે
સમગ્ર દેશમાં ટમેટાંની કિંમતમાં વધારાની ચર્ચા થઈ રહી છે ત્યારે ગ્રાહકોની બાબતો વિભાગના સેક્રેટરી રોહિત કુમાર સિંહે કહ્યું હતું કે ‘ટમેટાંની કિંમતમાં ઓચિંતો થયેલો વધારો ટેમ્પરરી સીઝનલ પરિસ્થિતિ છે અને ટૂંક સમયમાં જ કિંમતમાં ઘટાડો થશે. આ ઝડપથી બગડી જાય એવી કૉમોડિટી છે. ઓચિંતો વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે. આ ટેમ્પરરી સમસ્યા છે. દર વર્ષે આ સમયગાળામાં એમ થાય છે.’
આ કારણસર ટમેટાં અને શાકભાજીના ભાવમાં વધારો
૧) દેશના અનેક વિસ્તારમાં વરસાદના કારણે ટમેટાંના પાકને ખાસ્સું નુકસાન થયું છે.
૨) કર્ણાટકના કોલરમાં મંડીના અધિકારી સી. આર. શ્રીનાથે જણાવ્યું હતું કે ‘વાઇટ ફ્લાય’ રોગ ફેલાવાના કારણે ટમેટાંના પાકને ખૂબ નુકસાન થયું છે.
૩) આસામમાં આવેલા પૂરના કારણે શાકભાજીના પાકને ખૂબ જ નુકસાન થયું છે.
૪) મણિપુરમાં વંશીય હિંસાના કારણે સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે પણ શાકભાજીના ભાવ વધ્યા છે.
૫) ‘બિપરજૉય’ તોફાનના કારણે થયેલા વરસાદથી ગુજરાત અને રાજસ્થાનમાં ટમેટાંના પાકને ખૂબ નુકસાન થયું છે.
૬) બિહાર અને પશ્ચિમ બંગાળમાં અત્યંત ગરમીના કારણે ટમેટાંના પાકને નુકસાન થયું છે.