31 March, 2024 12:29 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. પી. વી. નરસિંહ રાવ અને સ્વ. ચૌધરી ચરણ સિંહ, ઍગ્રિકલ્ચર સાયન્ટિસ્ટ સ્વ. એમ. એસ. સ્વામીનાથન અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. કર્પૂરી ઠાકુરને નવાજ્યા હતા. ચારેય મહાનુભાવોને એનાયત કરાયેલો મરણોત્તર અવૉર્ડ તેમના વતી પરિવારના સભ્યોએ સ્વીકાર્યો હતો.
ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવના પુત્ર પી. વી. પ્રભાકર રાવ, ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી, એમ. એસ. સ્વામીનાથનનાં દીકરી નિત્યા રાવ અને કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે આ અવૉર્ડ સ્વીકાર્યા હતા. આ વર્ષે સરકારે પાંચ ભારત રત્ન અવૉર્ડની જાહેરાત કરી હતી જેમાં BJPના પીઢ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણીનો પણ સમાવેશ છે. તેમની ઉંમર અને તબિયતને ધ્યાનમાં રાખીને આજે રાષ્ટ્રપતિ તેમને ઘરે જઈને ભારત રત્ન અવૉર્ડથી સન્માનિત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મરણોત્તર ભારત રત્ન અવૉર્ડ મેળવનારા મહાનુભાવોને અંજલિ અર્પી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું ચાર ભારત રત્ન વિશે?
ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે આપણા દેશના વિકાસ અને આધુનિકીકરણ માટે અવિરત કામ કર્યું હતું.
ભારતના વિકાસ, ખાસ કરીને કૃષિક્ષેત્ર અને ગ્રામ્ય વિકાસમાં અનન્ય પ્રદાન બદલ ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સામાજિક ન્યાય અને સમાનતા માટે જીવન સમર્પિત કરવા બદલ કર્પૂરી ઠાકુર આ અવૉર્ડ માટે હકદાર બન્યાં છે, જ્યારે જિનેટિક્સ અને ઍગ્રિકલ્ચરલ સાયન્સમાં વિશિષ્ટ પ્રદાન અને રિસર્ચ બદલ એમ. એસ. સ્વામીનાથનની આ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.