પાઇલટે મહિલા મિત્રને કૉકપિટમાં પ્રવેશની મંજૂરી આપી, તપાસ કરાશે

22 April, 2023 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુબઈ-દિલ્હીની ૨૭ ફેબ્રુઆરીની ફ્લાઇટ દરમ્યાન ઍર ઇન્ડિયાના પાઇલટે તેની મહિલા મિત્રને કૉકપિટમાં પ્રવેશની મંજૂરી આપ્યાની ઘટનામાં ઉડ્ડયન નિયામક સંસ્થા ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હી  (પી.ટી.આઈ.) :  દુબઈ-દિલ્હીની ૨૭ ફેબ્રુઆરીની ફ્લાઇટ દરમ્યાન ઍર ઇન્ડિયાના પાઇલટે તેની મહિલા મિત્રને કૉકપિટમાં પ્રવેશની મંજૂરી આપ્યાની ઘટનામાં ઉડ્ડયન નિયામક સંસ્થા ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા તપાસ હાથ ધરાઈ છે, આ ઉપરાંત ઍરલાઇન્સ પણ આ ગંભીર ઘટનાની નોંધ લઈ તપાસ કરશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. 
ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ ગઈ કાલે કહ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને સુખાકારી પ્રત્યે ઍરલાઇન્સ ઝીરો ટૉલરન્સ ધરાવે છે અને એ આ ઘટનામાં આવશ્યક પગલાં લેશે. ફેબ્રુઆરીની ૨૭ તારીખે બનેલી આ ઘટનામાં દુબઈ-દિલ્હી ફ્લાઇટના કૅબિનના સભ્ય દ્વારા ડીજીસીએ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડીજીસીએના અધિકારીઓએ કહ્યું હતું કે નિયામક આ બાબતની તપાસ કરી રહ્યા છે. તપાસકર્તા ટીમ ટે​ક્નિકલ અને સુરક્ષાના દૃષ્ટિકોણથી આવશ્યક તથ્યો ચકાસશે. 
ફ્લાઇટના પાઇલટે કૉકપિટમાં તેની મહિલા મિત્રને પ્રવેશ આપ્યો હતો, પરંતુ વાસ્તવમાં અ​નધિકૃત લોકોને કૉકપિટમાં પ્રવેશનો અધિકાર નથી તથા આ પ્રકારે પ્રવેશની મંજૂરી આપવી એ નિયમોનું ઉલ્લંઘન છે.

national news air india