પત્નીને ભૂત-પિશાચ કહેવી એ ક્રૂરતા નથી

31 March, 2024 07:14 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે જો પતિ તેની પત્નીને ભૂત-પિશાચ કહે તો એ ક્રૂરતા નથી એવું પટના હાઈ કોર્ટે નોંધ્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે જો પતિ તેની પત્નીને ભૂત-પિશાચ કહે તો એ ક્રૂરતા નથી એવું પટના હાઈ કોર્ટે નોંધ્યું છે. નાલંદામાં રહેતા નરેશ ગુપ્તાએ ૧૯૯૩ની પહેલી માર્ચે જ્યોતિ સાથે લગ્ન કર્યાં હતાં. જ્યોતિના પિતા કનૈયાલાલે ૧૯૯૪માં નરેશ અને તેના પિતાની વિરુદ્ધ શારીરિક અને માનસિક યાતનાની ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેઓ દહેજમાં કારની માગણી કરી રહ્યા છે, તેઓ જ્યોતિને અપશબ્દો પણ બોલે છે અને ભૂત-પિશાચ કહે છે. મૅજિસ્ટેરિયલ કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો.

મૅજિસ્ટેરિયલ કોર્ટે પતિને ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૮-એ  અને દહેજવિરોધી કલમો હેઠળ દોષી ગણાવીને જેલમાં મોકલી દીધો હતો. પતિએ સ્થાનિક નાલંદા ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં અપીલ કરી, પણ તેની અરજી પર સુનાવણી નહીં થતાં નીચલી અદાલતના ચુકાદાને પતિએ પટના હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. 
૨૧મી સદીમાં પત્નીને ભૂત-પિશાચ કહેવી એ માનસિક યાતના છે એમ પત્નીના વકીલે દલીલ કરી હતી પણ જજે એ ફગાવી દીધી હતી.

national news patna Crime News