25 March, 2023 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)
તારીખ હતી ૨૦૧૩ની ૨૭ સપ્ટેમ્બર, કૉન્ગ્રેસના નેતા અજય માકન દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી રહ્યા હતા. એ દરમ્યાન પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધી આવી ગયા. રાહુલે કહ્યું કે ‘હું અહીં પોતાનો મત આપવા માટે આવ્યો છું. મેં માકનજી (અજય માકન)ને કૉલ કર્યો હતો. તેમને પૂછ્યું હતું કે શું ચાલી રહ્યું છે? તેમણે કહ્યું કે હું વટહુકમ વિશે પ્રેસની સાથે વાતચીત કરી રહ્યો છું. હું તમને આ વટહુકમ વિશે પોતાનો મત આપવા ઇચ્છું છું. મારા મતે આ વટહુકમને ફાડીને ફેંકી દેવો જોઈએ.’ ૧૦ વર્ષ જૂની આ ઘટના અત્યારે બિલકુલ પ્રસ્તુત છે, જેનું કારણ એ છે કે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં સુરતની અદાલતે બે વર્ષની સજા કરી છે. કોર્ટના આદેશના ૨૪ કલાકમાં જ રાહુલના સંસદસભ્યપદને રદ કરવામાં આવ્યું. વાસ્તવમાં સંસદસભ્યોને આવી સ્થિતિથી બચાવવા માટે યુપીએ સરકારના સમયે એક વટહુકમ લાવવામાં આવ્યો હતો, જેનો અમલ નહોતો થઈ શક્યો. આ વટહુકમની કૉપીને રાહુલે પ્રેસ-કૉન્ફરન્સમાં ફાડવા માટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં જનપ્રતિનિધિત્વ કાયદા, ૧૯૫૧ હેઠળ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદથી કોઈ પણ કોર્ટમાં દોષી ગણાવવામાં આવતાં જ નેતાનું સંસદસભ્યપદ કે વિધાનસભ્યપદ જતું રહે છે. હવે આ ચુકાદાને ઊલટાવવા માટે જ મનમોહન સિંહ સરકાર એક વટહુકમ લઈને આવી હતી, જેને રાહુલે ફાડવાની વાત કહી હતી.