27 July, 2024 10:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ્સ (NEET-UG) ૨૦૨૪નું રિવાઇઝ્ડ રિઝલ્ટ અને ટૉપર્સ લિસ્ટ જાહેર કર્યું હતું. આ નવા રિઝલ્ટને લીધે જે ૪૪ વિદ્યાર્થીઓને ફુલ ૭૨૦ માર્ક્સ મળ્યા હતા તેમના પાંચ કમ્પેન્સેટરી એટલે કે ગ્રેસ માર્ક્સ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આને લીધે હવે પહેલાં જે ઑલ ઇન્ડિયા ટૉપર્સ ૬૭ વિદ્યાર્થીઓ હતા એ હવે ૨૩ થયા છે.
ફિઝિક્સના પેપરના એક પ્રશ્નના બે પૉસિબલ જવાબ હોવાથી NTAએ જે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન અટેન્ડ કર્યો હતો તેમને ગ્રેસ માર્ક આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) દિલ્હીના ડિરેક્ટરને ત્રણ સભ્યોની કમિટી બનાવીને સાચો જવાબ શું છે એનો રિપોર્ટ કોર્ટને સુપરત કરવા કહ્યું હતું. કોર્ટના આદેશ મુજબ IIT દિલ્હીએ આપેલા રિપોર્ટના આધારે બીજો જવાબ આપનાર વિદ્યાર્થીઓને આપવામાં આવેલા માર્ક્સ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને આ જ કારણસર ટૉપર્સની સંખ્યામાં અને મેરિટ લિસ્ટમાં બદલાવ થયો છે. દેશમાં ૨૪,૦૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી.