01 June, 2024 07:14 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે.
બિહારમાં આજે લોકસભાની ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે એવા સમયે હીટવેવથી લોકો પરેશાન છે. ગયા થોડા દિવસોમાં ભીષણ ગરમીથી ૧૯ લોકોનાં મૃત્યુ થયાં છે. બિહારના ઔરંગાબાદ જિલ્લામાં ચૂંટણીની ડ્યુટીમાં રહેલા એક કર્મચારી સહિત ૧૨ જણ, કૈમુર જિલ્લામાં ચાર જણ અને આરા જિલ્લામાં ત્રણનાં મૃત્યુ થયાં છે. જે મતદાર સંઘોમાં આજે મતદાન થવાનું છે એમાં પટના સાહિબ, પાટલિપુત્ર, નાલંદા, કારાકાટ, આરા, બક્સર, જહાનાબાદ અને સાસારામનો સમાવેશ છે. આ મત વિસ્તારોમાં આજે ભીષણ ગરમીની આગાહી છે. આ વિસ્તારોમાં ૪૨થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે એટલે મતદારો અને રાજકીય નેતાઓ સામે ચિંતા ઊભી થઈ છે.
ભીષણ ગરમીમાં મતદાન કરાવવું ચૂંટણીપંચ માટે પણ અઘરું કાર્ય છે. મતદાન માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ને લઈ જવાનું કામ ગઈ કાલે પૂરું કરી દેવામાં આવ્યું હતું. હીટવેવની પરિસ્થિતિમાં ચૂંટણી-સ્ટાફ તમામ મુશ્કેલીઓને અવરોધીને કામ કરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં ઇલેક્શન ડ્યુટી પર તહેનાત ૧૩ જણનાં થયાં મોત
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ગઈ કાલે ઇલેક્શન ડ્યુટી પર તહેનાત ૧૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. હૉસ્પિટલનું કહેવું છે કે આ તમામ લોકોનાં તાવ અને હાઇ બ્લડ-પ્રેશરને કારણે મૃત્યુ થયાં હતાં. આમ છતાં તેમનાં મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે હૉસ્પિટલના સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે. છેલ્લા થોડા દિવસથી મિર્ઝાપુરમાં લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે.