31 March, 2024 01:16 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પૉલિસી કેસમાં જેલમાં છે ત્યારે તેમનાં પત્ની સુનીતા કેજરીવાલે તેમના પતિને જન-સમર્થન મળી રહે એ માટે વૉટ્સઍપ નંબર જાહેર કરી એના પર અરવિંદ કેજરીવાલને આશીર્વાદ મોકલવા લોકોને જણાવ્યું હતું, પણ આ નંબર કલાકોમાં જ બંધ કરી દેવાયો હોવાનો દાવો BJPના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કર્યો હતો. જોકે શેહઝાદ પૂનાવાલાના દાવા વિશે AAP તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
શેહઝાદ પૂનાવાલાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે AAPમાં મારા જે સોર્સ છે તેમણે મને કહ્યું છે કે સુનીતા કેજરીવાલે અરવિંદ કેજરીવાલને આશીર્વાદ આપવા માટે જે વૉટ્સઍપ નંબર આપ્યો હતો એને થોડા જ કલાકોમાં રદ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે દિલ્હી અને ભારતના લોકોએ એના પર અરવિંદ કેજરીવાલનું રાજીનામું માગતા મેસેજ મોટી સંખ્યામાં કર્યા હતા. 8297324624 નંબર હવે ઉપલબ્ધ નથી એવો ફોટો પણ તેમણે શૅર કર્યો હતો.