PoK જો ભારતમાં સમાઈ જાય તો...

19 May, 2024 10:28 AM IST  |  Mumbai | Aashutosh Desai

ચૂંટણીના બીજા ચરણ બાદ પ્રચારના ગરમાગરમ માહોલમાં પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK)ના મુદ્દાએ જબરદસ્ત જોર પકડ્યું છે અને બીજી તરફ PoKમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન, હિંસક મારામારી અને ભારતની તરફેણમાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયાં છે.

PoKની નીલરત્ન ગણાતી નીલમ નદીનો નજારો.

૧૯૪૭ની ૨૬ ઑક્ટોબરે જ્યારે રાજાશાહી નેતૃત્વ હેઠળના રાજ્ય જમ્મુ અને કાશ્મીરના રાજવી મહારાજા હરિસિંહે તેમના રાજ્યને ભારત સાથે જોડી લેવાની ઇચ્છા વ્યક્ત કરી અને ત્યાર બાદ તેમણે આ અંગેના ઍગ્રીમેન્ટ પર સહી પણ કરી આપી હતી. એનું એક કારણ એ હતું કે ભારતથી વિભા​જિત થયેલો હિસ્સો જે પાકિસ્તાન તરીકે નવા દેશનું નામ પામ્યો હતો એની આર્મીએ કાશ્મીર રાજ્યની કેટલીક આદિવાસી પ્રજાને ભોળવીને જમ્મુ-કાશ્મીરને ગેરકાયદે પચાવી પાડવાની પેરવી કરી હતી. તેમણે દગાખોરીથી રાજ્યનો કેટલોક હિસ્સો પચાવી પણ પાડ્યો હતો. રાજવીએ અચાનક થયેલા આ હુમલા સામે લાડવા માટે ભારત પાસે મદદ માગી અને ભારતે પોતાની આર્મી મોકલીને મદદ કરી પણ ખરી.

ભારતની આર્મી પાકિસ્તાનની આર્મી પર સાચા અર્થમાં ભારે પડી રહી હતી અને તેમણે પાકિસ્તાની આર્મીને ન માત્ર પાછી ધકેલવા માંડી હતી બલ્કે ગેરકાયદે પચાવી પાડેલો જમીની હિસ્સો પણ પાછો મેળવવા માંડ્યો હતો, પરંતુ ખબર નહીં આપણા દેશના એ સમયના વડા પ્રધાનના દિમાગમાં અચાનક અહિંસા અને દયાનો કયો સંત આવીને બેસી ગયો કે તેમણે યુદ્ધ જીતી રહેલી ભારતીય સેનાને રોકી લીધી અને ૧૯૪૯ની પહેલી જાન્યુઆરીએ સીઝફાયરની જાહેરાત કરી નાખી. એટલું જ નહીં, યુદ્ધવિરામની શરતોમાં તેમણે પાકિસ્તાનને ગેરકાયદે પચાવી પાડેલી જગ્યા ખાલી કરવાની ફરજ પણ પાડી નહીં અને પરિણામસ્વરૂપ પાકિસ્તાને ભારતનો ૭૨ હજાર સ્ક્વેર કિલોમીટર જેટલો હિસ્સો ગેરકાયદે પચાવી પાડ્યો. પાકિસ્તાની આર્મીએ એ જગ્યાનો કબજો છોડ્યો નહીં અને આપણે એમની પાસે છોડાવ્યો પણ નહીં. બસ, એ ગેરકાયદે પચાવી પાડેલો ભારતનો હિસ્સો એટલે આજનું પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK).

ત્યારથી લઈને હાલનાં થોડાં વર્ષો પહેલાં સુધીના આખા સમયગાળા દરમ્યાન ભારતમાં એક પણ એવો નીડર કે સિંહનેતા આવ્યો નહોતો જે PoK પરના હક-દાવા ​વિશે સામી છાતીએ વાત કરે. ૨૦૧૯માં પહેલી વાર એવું બન્યું કે ભારતના કોઈ પ્રધાન નિર્ભીકપણે PoK વિશે બોલ્યા. આપણા વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું કે ભારત PoK પાછું લેશે કે નહીં એ પ્રશ્ન જ અસ્થાને છે, કારણ કે PoK ભારતનો અભિન્ન હિસ્સો છે જ; હવે માત્ર એનો ભૌતિક અધિકાર મેળવવાનો છે. તેમના આ નિવેદનનો એક મોટો ફાયદો એ થયો કે માત્ર ભારત કે પાકિસ્તાનમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દરેક દેશને એ સમજાઈ ગયું કે ભારતનું PoK બાબતે શું વિચારવું છે. અને ભારત એ માટે કટિબદ્ધ છે કે આ માટે જે પગલાં લેવાં પડે એ જ્યારે ચાહે ત્યારે લઈ શકે છે. ત્યાર બાદ ગૃહપ્રધાન અમિત શાહે પણ સંસદમાં સામી છાતીએ કહ્યું કે PoK ભારતનો હિસ્સો હતું અને ભારતનો જ હિસ્સો રહેશે.

ચૂંટણીમાં ગરમાયો મહત્ત્વનો મુદ્દો
હાલ આપણો દેશ લોકશાહી શાસનપદ્ધતિનો ઉત્સવ ઊજવી રહ્યો છે, ‘ચૂંટણી’. વિશ્વના કોઈ પણ દેશમાં જ્યારે ચૂંટણીનો માહોલ શરૂ થાય ત્યારે લોકનેતાઓ જનસામાન્યને પોતાના તરફ કરવા માટે ખૂણે-ખૂણેથી મુદ્દાઓ શોધી જ લાવતા હોય છે. કુલ સાત ચરણોમાં સંપન્ન થનારી આ ચૂંટણીનું પાંચમું ચરણ આવતી કાલે છે જેમાં મુંબઈ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. હવે ચૂંટણીના બીજા ચરણ બાદ પ્રચારના ગરમાગરમ માહોલમાં એક મુદ્દાએ ખૂબ જબરદસ્ત જોર પકડ્યું અને એ મુદ્દો PoK વિશેનો છે. હવે યોગાનુયોગ ગણો કે વેલપ્લાન્ડ સ્ટ્રૅટેજીનો હિસ્સો ગણો, જે ગણો એ પણ થયું કંઈક એવું કે આ તરફ ભારતના ચૂંટણીપ્રચારમાં PoKનો મુદ્દો ઊછળ્યો અને બીજી તરફ PoKમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન, હિંસક મારામારી અને ભારતની તરફેણમાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયાં. જોકે શું ખરેખર PoK ફરી ભારતહસ્તક આવી જાય એવું બની શકે ખરું? જો હા, તો એના ફાયદા અને ગેરફાયદા શું? ભારતમાં એનું ફરી જોડાણ કરવા માટે અડચણો કઈ-કઈ આવી શકે? આ બધાથીયે સર્વોપરી પ્રશ્ન તો એ કે ભારતે PoK પોતાને હસ્તક લઈ લેવું જોઈએ કે નહીં?

આ બાબતે ચર્ચા કરતાં પહેલાં એ સમજવું પડે કે PoKની ભૌગોલિક સ્થિતિ અને એના હિસ્સાઓ કેટલા છે. આપણા માટે જે એક PoK છે એ પાકિસ્તાન માટે ચાર હિસ્સા છે. એક ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો હિસ્સો, જેને પાકિસ્તાન પોતાના દેશના હિસ્સા તરીકે ગણાવે છે. ત્યાર બાદ PoKના દક્ષિણ-પશ્ચિમ છેડાનો એક નાનો હિસ્સો છે જેને આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવવામાં આવે છે (જે માત્ર કાગળ પર ‘આઝાદ’ છે, વાસ્તવમાં પાકિસ્તાનના જ તાબા હેઠળ છે). આ સિવાય ત્રીજો હિસ્સો છે સાક્ષગમ વૅલીવાળો હિસ્સો જે આપણા સિયાચીનની સીમાને અડીને આવેલો છે અને જેને પાકિસ્તાને પોતાના બાપની મિલકત હોય એમ ચાઇનાને ભેટમાં આપી દીધો છે. ચોથો હિસ્સો એટલે ભારતની સત્તા હેઠળનું કાશ્મીર જેને પાકિસ્તાન IoK તરીકે ઓળખાવે છે. 

હવે આ રસપ્રદ ચર્ચામાં સૌથી પહેલાં તો એ જાણવું પડે કે PoK ભારતમાં આવે શા માટે? ત્યાં રહેતા લોકો પાકિસ્તાનવિરોધી વલણ શા માટે અપનાવી રહ્યા છે?
ભારત, અમને ફરી અપનાવી લો
PoKની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ત્યાંની પ્રજા અને પાકિસ્તાની આર્મી વચ્ચે હમણાં થોડા સમયથી જબરદસ્ત તનાવ ચાલી રહ્યો છે જે માટે કેટલાંક કારણો જવાબદાર છે. વાસ્તવમાં PoKમાં રહેતી મહત્તમ પ્રજા શિયા મુસ્લિમ છે, જ્યારે પાકિસ્તાનના બાકીના હિસ્સામાં રહેતી પ્રજા સુન્ની મુસ્લિમોની છે. હવે આઝાદીથી લઈને હમણાં સુધીનાં વર્ષોમાં સુન્ની મુસ્લિમો એટલા ઝનૂની અને અત્યાચારી બની ચૂક્યા છે કે કોઈ પણ પ્રકારે તેમણે પાકિસ્તાનમાંથી અને PoKમાંથી પણ શિયા મુસ્લિમોની વસ્તીનું નિકંદન કાઢી નાખવું છે. આથી તેઓ તેમના પર અનેક પ્રકારના જુલમ કરે છે. ખોટા કેસ બનાવીને જેલમાં પૂરવાથી લઈને કિડનૅપિંગ, બળાત્કાર વગેરે બધી જ પ્રવૃત્તિઓ કરતા સુન્ની મુસ્લિમો શિયાના સ્કૉલર્સથી લઈને નેતાઓને પણ ખોટા કેસોમાં ફસાવીને કેદ કરી લે છે. એનું જીવંત ઉદાહરણ છે શિયા મુસ્લિમ લીડર આગા બેકર અલહુસૈની વિરુદ્ધ ફાઇલ કરવામાં આવેલો ખોટો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR).

આ સિવાય બીજું મોટું કારણ છે રો​જિંદું જીવન જીવવું મુશ્કેલ થઈ પડે એવી પરિસ્થિતિનું સર્જન. ધડ-માથા વિનાના આડેધડ કરવેરાઓ PoKમાં રહેતા લોકોનું જીવન દુષ્કર કરી રહ્યા છે. ઘઉં જેવા રોજિંદા ખાવાના ધાન્યથી લઈને વીજળીના ભાવો અને એના પર લાગતા ટૅ​ક્સિસ એટલા અને એવા છે કે લોકોને રસ્તા પર ઊતરી આવી વિરોધ-પ્રદર્શન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો. આખા પાકિસ્તાનમાં વપરાતી કુલ વીજળીમાંથી મહત્તમ વીજળીનું ઉત્પાદન PoKમાં સ્થિત હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ દ્વારા થાય છે. હવે લોકો પૂછી રહ્યા છે કે પાણી દ્વારા ઉત્પાદિત થતી વીજળી પર ફ્યુઅલ ટૅક્સ, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અને GSTનો વળી પાછો GST ટૅક્સ કઈ રીતે? ૨.૫૯ પ્રતિ યુનિટના ભાવે પડતી વીજળી માત્ર આ બધા ટૅક્સિસને કારણે હાલ તેમને ૮૦ રૂપિયા પ્રતિ યુનિટ કરતાં પણ વધુ ભાવે આપવામાં આવે છે. કારણ શું? કારણ કે પાકિસ્તાન સરકારને હમણાં કોઈ પણ ભોગે પૈસાની જરૂર છે. પ્રજાનું ગળું દબાવવું પડે તો એ પણ દબાવીને હાલ તેમણે પૈસા મેળવવા પડે એમ છે. નહીં તો દેશ નાદાર થઈ જશે. હવે આવા સંજોગોમાં શિયા મુસ્લિમો પર જોર કરવાનું અને તેમને દબાવવાનું આ તેમને એક નવું બહાનું મળી ગયું છે. 

ભારત PoK કઈ રીતે પાછું મેળવી શકે?
આપણા માટે પ્રશ્ન એ છે કે શું ભારત ખરેખર PoK પાછું મેળવી શકે ખરું? પાકિસ્તાન ક્યારેય શાંતિપૂર્ણ રીતે PoK ભારતને નહીં સોંપે એ વાત તો સ્પષ્ટ છે. આથી વાટાઘાટો કે ડિપ્લોમેટિક રિલેશનશિપ દ્વારા તો એ પાછું મળવું શક્ય નથી.
બાકી બચે છે એકમાત્ર ઉપાય સશસ્ત્ર લડાઈ, પરંતુ આ વિકલ્પ પણ સીધેસીધો અમલમાં લાવી શકાય એમ નથી. જો ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમયનું યુદ્ધ છેડાય તો એ બન્ને દેશો માટે મોટી મુશ્કેલી સમાન છે. ભારતના પક્ષે આ લડાઈ સ્વાભાવિક રીતે જ એક અત્યંત ખાનગી મિશન તરીકે વેલપ્રૂફ સ્ટ્રૅટેજી સાથેનું ઑપરેશન હોવાનું. PoK એક એવો વિસ્તાર છે જ્યાં આખા પાકિસ્તાનમાં જેટલી મિલિટરી ન હોય એટલી મિલિટરી બારે મહિના પાકિસ્તાને ગોઠવી રાખી હોય છે. એનું એક કારણ એ પણ છે કે સૌથી વધુ મિલિટરી કૅમ્પ અને મિલિટન્ટ કૅમ્પ PoKમાં છે. આથી ભારતની ત્રણે આર્મ્ડ ફોર્સ એકસાથે તાલમેલ સાધીને ઑપરેશન શરૂ કરે તો જ આ યુદ્ધ શક્ય બને. વળી એ લાંબા સમય સુધી ચાલે એ પણ હિતાવહ નથી, કારણ કે ભારત અને પાકિસ્તાન બન્ને ન્યુક્લિયર શસ્ત્રો ધરાવતા દેશ છે અને યુદ્ધ જો લાંબું ચાલે અને ભયંકર સ્વરૂપ ધારણ કરે તો શક્ય છે કે કોઈ એક દેશ ન્યુક્લિયર શસ્ત્રનો પ્રયોગ કરે, જે બન્ને દેશો માટે ભયંકર પરિણામ સર્જી શકે.

વળી આખા વિશ્વના તમામ ઇસ્લામિક દેશોમાં એકમાત્ર પાકિસ્તાન જ એવો દેશ છે જે ન્યુક્લિયર શસ્ત્રો ધરાવે છે. આથી તમામ ઇસ્લામિક દેશો પણ પાકિસ્તાન હારે નહીં એ માટે મદદે આવે એવું બને. વળી જેમ-જેમ યુદ્ધનો સમય લાંબો થતો જાય એમ-એમ એ શક્યતા પણ વધતી જાય કે ચાઇના પાકિસ્તાનના સપોર્ટમાં આવે. જો એવું બને તો ભારત માટે એ પરિસ્થિતિ વૉર ઍટ ટૂ ફ્રન્ટ્સ જેવી થાય. આથી પૂરેપૂરી શક્યતા એવી ખરી કે ભારત આ અંગે જ્યારે પણ અને જે પણ ઍક્શન લે એ ઑપરેશન અત્યંત ખાનગી, અત્યંત ઝડપથી પૂરું થનારું અને અમોઘ સ્ટ્રૅટેજી સાથેનું હોય.

જોકે એવું નથી કે એકમાત્ર ઑપરેશન કે ટૂંકા ગાળાના યુદ્ધથી વાત ખતમ થઈ જાય. એક રિપોર્ટ અનુસાર ૨૦૦૨-’૦૩ની સાલને બેન્ચમાર્ક ગણીએ તો કોઈ દેશ સાથે ટકરાવની પરિસ્થિતિમાં ભારત એની આર્મ્ડ ફોર્સ પાછળ રોજના ૧૪.૩ બિલ્યન જેટલો ખર્ચ કરે છે જે ખર્ચનો આંકડો આજની પરિસ્થિતિમાં હવે વધીને લગભગ ૩૪ બિલ્યન ડૉલર સુધી પહોંચી ચૂક્યો છે. વળી જો ભારત PoK હસ્તગત કરી પણ લે તો પાકિસ્તાનની જેમ જ એણે પણ દેશની સૌથી વધુ ફોર્સિસ ત્યાં જ તહેનાત કરવી પડે, કારણ કે પાકિસ્તાન એ યુદ્ધ પછી શાંત બેસી રહે એવાં તો કોઈ લક્ષણ આજ સુધી રહ્યાં નથી. વિચાર એ મુદ્દે પણ કરવો જ પડે કે ત્યાંના રહેવાસી લોકો જો વિરોધ કરે તો શું? ત્યાં હાજર મિલિટન્ટ ગ્રુપ્સનું શું? એમની સાથે બાથ કઈ રીતે ભીડવી?
​જિયો-પૉલિટિકલ ફેરફારો

આ ક્ષેત્રે PoKને કારણે જબરદસ્ત મોટો ફેરફાર સર્જી શકાય એમ છે. PoK જો ભારતહસ્તક થઈ જાય તો ભારતનો અફઘાનિસ્તાન સાથે જમીની ભાગ દ્વારા સીધો સંપર્ક શક્ય બને, કારણ કે PoKનું ગિલગિટ અફઘાનિસ્તાનના વખાન કૉરિડોર સાથે જોડાયેલું છે. હાલ અફઘાનિસ્તાન પહોંચવા માટે ભારતે ઈરાન અને પાકિસ્તાન પર નિર્ભર રહેવું પડે છે.

જો ગિલગિટ ભારતમાં આવી જાય તો વખાન કૉરિડોર દ્વારા ભારત ન માત્ર અફઘાનિસ્તાન સાથે જોડાઈ શકે બલ્કે એની ઉત્તર અને પશ્ચિમે આવેલા સેન્ટ્રલ એશિયા, યુરોપ અને રશિયા સાથે પણ ભારત જમીની સંપર્ક દ્વારા જોડાઈ શકે. એને કારણે ન માત્ર અફઘાનિસ્તાન સાથે; પરંતુ ઈરાન સિવાયના સેન્ટ્રલ એશિયાના બીજા દેશો, યુરોપ અને રશિયા સાથે વ્યાપાર વાણિજ્ય વધારી શકે અને વધુ સરળ પણ બનાવી શકાય. આ સિવાય કઝાખસ્તાનથી જે ગૅસ પાઇપલાઇન ભારત આવે છે એ પણ પાકિસ્તાનને બાયપાસ કરીને સીધેસીધી ભારત સુધી PoK દ્વારા આવી શકે.
ચાઇનાનો ડ્રૅગન નબળો પડી જાય

સૌથી મહત્ત્વની અને સ્ટ્રૅટે​જિકલી ભારતને મજબૂત કરનારી જે બાબત છે તે એ કે જો PoK ભારતનો હિસ્સો થઈ જાય તો પાકિસ્તાન અને ચાઇનાનો સીધો સંપર્ક તૂટી જાય. હાલ આપણે વિશ્વનો નકશો જોઈશું તો સમજાશે કે ચાઇના માત્ર PoKને કારણે પાકિસ્તાન સાથે જમીની માર્ગે જોડાયેલું છે. કારાકોરમ કૉરિડોર અક્સાઈ ચીન અને સાક્ષગમ વૅલીને કારણે પાકિસ્તાન સાથે જોડાયેલો છે. હવે જો PoK જ ભારતનો હિસ્સો બની જાય તો પાકિસ્તાન અને ચાઇના વચ્ચે સીધું જમીની જોડાણ ન રહે એટલું જ નહીં, ભારત ચાહે તો પાકિસ્તાન અને ચાઇના માટે ઍરસ્પેસ પણ બ્લૉક કરી શકે. જો એમ બને તો ચાઇનાએ પાકિસ્તાન પહોંચવા માટે અને પાકિસ્તાને ચીન પહોંચવા માટે માત્ર એક જ વિકલ્પ રહી જાય અને એ દરિયાઈ માર્ગ જે બન્ને દેશો માટે અત્યંત લાંબો, અસુવિધાજનક અને ખર્ચાળ સાબિત થઈ શકે. ભારતે જો બન્ને બિચારા ભલા-ભોળા નિર્દોષ પાડોશી દેશોને એકબીજાને મદદ કરતા અને સ્ટ્રૅટે​જિકલી મજબૂત બનતા રોકવા હોય તો PoK એમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ છે. હવે ધારો કે ભારતને ભવિષ્યમાં પાકિસ્તાન સાથે કશુંક વાંકું પડ્યું કે ચીન કે ભારત સાથે કંઈક વાંધો ઊભો થયો અને પરિસ્થિતિ વણસી તો ચીન પાકિસ્તાનને કે પાકિસ્તાન ચીનને કોઈ સૈન્ય-સહાય કે બીજી સહાય તરત મોકલી શકવાની હાલતમાં નહીં રહે.

આપણને બધાને ખબર છે કે ચીન અને પાકિસ્તાન બન્ને દેશો મળીને એક ઇકૉનૉમિક કૉરિડોર યોજના પર કામ કરી રહ્યા છે. ચીન ખૂબ મોટા પાયે પાકિસ્તાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને વેપાર, પોર્ટ્સ જેવા ક્ષેત્રે ખૂબ મોટું રોકાણ કરી રહ્યું છે જે વાસ્તવમાં તો તકસાધુ ચાઇનાના વિસ્તારવાદનો જ એક હિસ્સો છે. પાકિસ્તાનની ખસ્તા હાલતનો ભરપૂર ફાયદો ઉઠાવી ચીન ત્યાં રોકાણ કરીને પરોક્ષ રીતે પાકિસ્તાનને પોતાના પગ તળે એ રીતે દબાવી લેવાનો પ્રયત્ન કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં પાકિસ્તાન ચાહે તો પણ ફરી બેઠું ન થઈ શકે. વળી ચાઇના-પાકિસ્તાન કૉરિડોરને કારણે ચીનને વેપાર અને વિસ્તાર બન્ને ક્ષેત્રે ખૂબ મોટો ફાયદો છે જેમાં પાકિસ્તાનનો ચીનની કઠપૂતળી બનવા સિવાય વાસ્તવમાં બીજો કોઈ જ રોલ નથી. આ કૉરિડોર કારાકોરમથી લઈને છેક પાકિસ્તાનના દરિયાકિનારે ચીને બનાવેલા પોર્ટ સુધી લંબાયેલો છે જે ચીન માટે મિડલ ઈસ્ટના અનેક દેશોથી લઈને રેડ સી અને બ્લૅક સીવાળા સિલ્ક રૂટ સુધીનો આખો માર્ગ ખોલી આપનારો છે. ચીનની ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોર (CPEC) યોજના વિશે તો આપણને બધાને જ ખબર છે. હવે જો PoK ભારતના હાથમાં આવી જાય તો સ્વાભાવિક છે કે ભારત ચીનની આ યોજના પર પ્રતિબંધ મૂકી દે. જો એમ બને તો ચીનનું મોટું ઇન્વેસ્ટમેન્ટ તો જોખમમાં મુકાય જ, સાથે એનો અનેક દેશો સાથેનો જમીની અને દરિયાઈ સંપર્ક પણ દુષ્કર થઈ જાય.
એક ખૂબ સુંદર પંક્તિ છે, ‘ભૂતકાળની ભૂલ સુધારી લેવા વર્તમાનના ખોળે ક્ષણો તક બની જન્મે ત્યારે માનાં સ્તનમાંથી ભવિષ્ય ઊજળું દૂધ બનીને વહેતું હોય છે!’ PoK ભારત દ્વારા થયેલી એ ભૂલ છે જે ઉદારી કરતાં નબળાઈ તરીકે ગણી લઈને પચાવી પાડવામાં આવી છે. આજે ભારત હવે એટલું સક્ષમ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચો અવાજ કરીને કહી શકે કે PoK એ અમારો ગેરકાયદે પચાવી પાડેલો અભિન્ન હિસ્સો છે અને અમે એ પાછો લઈ રહ્યા છીએ, જો ચૂંટણીના ગરમાયેલા માહોલમાં એ માત્ર એક ગમતીલા મુદ્દે રાજકારણ રમવાનું હથિયાર નહીં બની રહે તો.

ભારતને સારી-માઠી આર્થિક અસરો 
કુદરતી સંપદાનો ખજાનો
પાકિસ્તાનહસ્તક કાશ્મીર માત્ર કુદરતી સૌંદર્યનું જ ધની છે એવું નથી. એ બીજી અનેક કુદરતી ધનસંપદાથી પણ પ્રચુર એવો પ્રદેશ છે. પહાડો પર મળતી અનેક અલભ્ય વનસ્પતિઓ તો ખરી જ; સાથે જ લાઇમસ્ટોન, ​જિપ્સમ, માર્બલ્સ, ગ્રેનાઇટ, બૉક્સાઇટ, કોલ, લિગ્નાઇટ, મૅગ્નેસાઇટ, સલ્ફેટ, સૅફાયર, બોરેક્સ, ડોલોમાઇટ, ગ્રેફાઇટ અને લિથિયમ જેવાં અનેક નૅચરલ મિનરલ્સ આ વિસ્તારમાં ભર્યાં પડ્યાં છે જેનો સીધો ફાયદો ભારતને મળી શકે. કંઈક એવું સમજી લો કે આર્થિક દૃષ્ટિએ વર્ષોથી સંઘરાયેલો કોઈ ખજાનો ભારતના હાથમાં આવી જાય. આ સિવાય આ વિસ્તારની નદીઓ અને પાણીના બીજા કુદરતી સ્રોતોને કારણે હાઇડ્રોપાવર જનરેશન પ્રોજેક્ટ્સ દ્વારા પાવર જનરેશનની જબરદસ્ત ક્ષમતા છે જેનો ફાયદો પાકિસ્તાન વર્ષોથી ઉઠાવી જ રહ્યું છે. આમ છતાં હજીયે કદાચ એ પૂર્ણ રીતે આ ક્ષેત્રની ક્ષમતા વાપરી શક્યું નથી. આ સિવાય પર્યટનક્ષેત્રે થનારો ફાયદો અને ફળો, તેજાના વગેરેની ખેતી જેવાં અનેક ક્ષેત્રો એવાં છે જે ખૂબ મોટી શક્યતાઓનાં દ્વાર ખોલી શકે એમ છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણ પાકિસ્તાન પૈસેટકે ખુવાર થઈ ચૂકેલો દેશ હોવા છતાં હજી પણ જીવી રહ્યો છે એનું મુખ્ય કારણ એ છે કે વિશ્વના અનેક દેશોને પાકિસ્તાન આવી ખસ્તા હાલતમાં જ જીવિત રહે એમાં વધુ રસ છે. અફઘાનિસ્તાનથી પોતાની પકડ ઘુમાવી ચૂકેલા અમેરિકા માટે એક તરફ ઈરાન અને બીજી તરફ ચાઇનાને બાનમાં રાખવા માટે પાકિસ્તાન એક મહત્ત્વની કડી છે. એમાંય PoK એને માટે અત્યંત મહત્ત્વનું થઈ પડે છે, કારણ કે ભારત હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલો સક્ષમ દેશ બની ચૂક્યો છે કે કોઈ પણ અંગત સ્વાર્થ ખાતર એ કોઈ દેશનું હથિયાર બનવા કે બંદૂક મૂકીને ગોળી છોડી શકાય એવો ખભો બનવા માટે ના કહી શકે છે. એવા સંજોગોમાં PoK દ્વારા પાકિસ્તાન એક એવો દેશ બની રહે જે અમેરિકાની કઠપૂતળી બની શકે. એને કારણે ભારતને પણ દબાણ હેઠળ રાખી શકાય.

બીજી તરફ છેલ્લા એક વર્ષથી અનેક દેશોના ડેલિગેટ્સની પાકિસ્તાનની વિઝિટ અચાનક વધી ગઈ છે. શા માટે? સાઉદી ફૉરેન મિનિસ્ટર આવ્યા. તેમણે પાકિસ્તાનમાં પાંચ બિલ્યન ડૉલરના રોકાણની તૈયારી દેખાડી. રિયાધ પચીસ બિલ્યન ડૉલરના રોકાણનું સપનું પાકિસ્તાનને દેખાડી રહ્યું છે. ત્યાર બાદ ઈરાનિયન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસી પણ પાકિસ્તાનની મુલાકાતે આવ્યા અને કહ્યું કે તેઓ બાયલૅટરલ ટ્રેડ્સ વધારીને ૧૦ બિલ્યન ડૉલર કરશે. એ પછી કતારના ફૉરેન મિનિસ્ટર પણ પાકિસ્તાન આવ્યા. આ બધી જ પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય કારણ છે પાકિસ્તાનને મદદ કરવાના બહાને ભારતની આગેકૂચને થોડી ગભરાવેલી રાખવી, કારણ કે PoK વિશ્વકક્ષાએ પૈસા ઉઘરાવવા માટે પાકિસ્તાનનો સૌથી મોટો વિકલ્પ છે. 
આતંકવાદથી લઈને ચાઇના સાથેના સંપર્ક સુધી અને અફઘાનિસ્તાનથી લઈને ભારતનું નાક દબાવવા સુધીના દરેક માર્ગમાં પાકિસ્તાન પાસે એક જ મુખ્ય ચાવી છે અને એ છે PoK.

ભારતની છ​બિ અને લોકલ પૉલિટિક્સ 
આપણે જાણીએ છીએ કે આ બધી બાબતોમાં આપણા દેશનું રાજકારણ અત્યંત નિમ્ન કક્ષા સુધી ઊતરી જવામાં પણ શરમ નથી અનુભવતું. રાષ્ટ્રવાદ પહેલાં અને રાજકારણ પછી જેવી કોઈ સમજણ આપણે ત્યાં નથી. જે દેશના રાજકારણીઓ રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રપ્રેમને બાજુએ મૂકીને સર્જિકલ સ્ટ્રાઇક અને ઍર સ્ટ્રાઇકના પણ પુરાવાઓ માગતા શરમ નહીં અનુભવતા હોય તેઓ PoK ફરી ભારતમાં જોડાવાની વાત આવે તો-તો શું-શું ન કરે!

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ ખૂબ મોટી કસોટીઓ ભારત માટે આવી શકે, કારણ કે મિલિટરી ઍક્શન દ્વારા કોઈ ભૂમિનો હિસ્સો કબજે કરવો એ આજના સમયમાં હવે સામાન્ય રીતે સ્વીકાર્ય બાબત નથી રહી. એમાં પણ ભારતે હમણાં સુધીમાં પોતાની જે વસુધૈવ કુટુમ્બકમની ઇમેજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી કરી છે એ દૃષ્ટિએ સ્વાભાવિક છે કે જો ભારત આવું કોઈક પગલું ભરે તો આંતરરાષ્ટ્રીય સ્તરે એણે અનેક પ્રકારના વિરોધની અને વૈશ્વિક સંબંધો બગડવાની તૈયારી રાખવી પડે, કારણ કે PoK ભારતનો જ અભિન્ન હિસ્સો હતું અને એ જ ભારતે પાછો મેળવ્યો છે એવું વિશ્વના દેશો સરળતાથી માનવા કે સ્વીકારવા તૈયાર નહીં થાય.

હા, આતંકવાદનો બિઝનેસ અને આતંકવાદ દ્વારા ચાલતા આંતરરાષ્ટ્રીય રાજકારણના પાયા ચોક્કસ હલી જાય, કારણ કે ભારતના જમ્મુ-કાશ્મીર અને બીજા હિસ્સાઓમાં વર્ષોથી જે આતંકવાદીઓ ઘૂસપેઠ કરતા હતા તેમની મહત્તમ ઘૂસપેઠ PoKથી થતી હતી. વળી PoK આખા વિશ્વ માટે પણ સૌથી વધુ મિલિટન્ટ કૅમ્પ ધરાવતો વિસ્તાર છે. જો એ જ બંધ થઈ જાય તો ભારત સામે પાકિસ્તાનની પ્રૉક્સી-વૉરની સ્ટ્રૅટેજી તો અટકી જ પડે, વળી વિશ્વના બીજા દેશોમાં છૂટક-છૂટક ચલાવવામાં આવતી આતંકવાદની પ્રવૃત્તિઓને પણ મોટો ફટકો પડે, કારણ કે હમણાં કાશ્મીર વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન બન્ને દેશો LoC દ્વારા બૉર્ડર વહેંચે છે. જો પાકિસ્તાનહસ્તક કાશ્મીર ભારત પાછું મેળવી લે તો ઇન્ટરનૅશનલ બૉર્ડર દ્વારા બન્ને દેશો વહેંચાઈ જશે. ત્યાર બાદ કોઈ પણ ક્રૉસ-બૉર્ડર ઍક્ટિવિટી એટલી સરળ નહીં બને જેટલી હમણાં છે.

national news pakistan Lok Sabha Election 2024 columnists gujarati mid-day