પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં લહેરાયો તિરંગો

12 May, 2024 09:47 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

સંપૂર્ણ આઝાદી અથવા ભારત સાથે જોડી દેવાની માગણી

રાવલકોટ

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના રાવલકોટમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ સિવાય ભારતતરફી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. આ પ્રદેશના લોકોની માગણી છે કે જો પાકિસ્તાન સરકાર અમને સંભાળી ન શકતી હોય તો અમને સંપૂર્ણ આઝાદી આપવી જોઈએ અથવા અમને ભારત સાથે જોડી દેવા જોઈએ. ભારત અમને પૂર્ણ રીતે સ્વીકારવા તૈયાર છે.

આ વિસ્તારમાં રહેતા લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, તેમના પર વધારે ટૅક્સ લગાવવામાં આવે છે અને અપૂરતા વીજળીપુરવઠાને કારણે લોકો વિરોધ-પ્રદર્શનો કરી રહ્યા છે અને હવે આ વિરોધ-પ્રદર્શનોએ હિંસક રૂપ લીધું છે. લોકોનું કહેવું છે કે પાકિસ્તાનમાં જે વીજળીનું ઉત્પાદન થાય છે એ અમારા પ્રદેશમાં બાંધવામાં આવેલા ડૅમમાંથી મળે છે. પહેલાં ૨૪ કલાક વીજળી મળતી હતી, પણ હવે માત્ર બે કલાક મળે છે. વીજળી પરની સબસીડી પણ ખતમ કરી દેવામાં આવી છે.

આ પ્રદેશમાં રોજ માત્ર બે કલાક જ વીજળીપુરવઠો પૂરો પાડવામાં આવે છે, જ્યારે લોકોની માગણી છે કે દિવસમાં કમસે કમ ૬ કલાક વીજળીપુરવઠો પૂરો પાડવો જોઈએ. દેખાવો કરતા લોકોએ પાકિસ્તાની દળોના ઘણા જવાનોની પિટાઈ કરી છે એટલે તેમણે લોકોની ભીડને હટાવવા બળ-પ્રયોગ કર્યો હતો. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે આ પ્રદેશમાં લોકોમાં રોષ ફેલાવવાનું કામ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (RAW) દ્વારા કરવામાં આવ્યું છે. ભારત સરકાર પાકિસ્તાનને તોડવાનું ષડ્યંત્ર ઘડી રહી છે.

pakistan jammu and kashmir india