09 June, 2024 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતા નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક બાબતની ઉજવણી અમેરિકાનાં બાવીસ શહેરમાં કરવામાં આવશે. ૧૯૬૨ બાદ ભારતમાં કોઈ એક વ્યક્તિએ પાંચ વર્ષની ટર્મ બે વાર પૂરી કરીને ત્રીજી વખત સત્તાની સ્થાપના કરી છે એને ધ્યાનમાં રાખીને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ BJP દ્વારા અમેરિકામાં આ ઉજવણી કરવામાં આવશે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ BJPના અધ્યક્ષ અદાપા પ્રસાદે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણી ભારતમાં હતી, પરંતુ અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા અનેક શહેરોમાં પ્રચારરૅલી કાઢવામાં આવી હતી. હવે BJPએ સૌથી વધુ ૨૪૦ બેઠક મેળવીને ફરી સત્તા મેળવી છે ત્યારે અમેરિકામાં નરેન્દ્ર મોદીના સમર્થકોએ જોરદાર ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આવતા શુક્રવારથી ન્યુ યૉર્ક, જર્સી સિટી, વૉશિંગ્ટન, બૉસ્ટન, ફ્લૉરિડા, ઍટલાન્ટા, હ્યુસ્ટન, ડૅલસ, શિકાગો, લૉસ ઍન્જલસ અને સૅન ફ્રાન્સિસ્કો સહિત બાવીસ શહેરમાં રૅલી કાઢીને ઉજવણી કરવામાં આવશે, જે આવતા રવિવાર સુધી ચાલશે. આ ઉજવણી માટે ભારત અને અમેરિકાના સંબંધ મજબૂત કરવા માટે અમેરિકામાં રહેતા ભારતીયોને એકત્રિત કરવામાં આવશે.’