કૅન્સરની દવાઓ, નમકીન અને ધાર્મિક યાત્રા માટેના હૅલિકૉપ્ટર પ્રવાસ પરના GSTમાં ઘટાડો

10 September, 2024 06:43 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

GST કાઉન્સિલની બેઠકમાં મેડિકલ અને હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ પર લેવામાં આવતા GSTના મુદ્દે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની રચના કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલની ૫૪મી બેઠકમાં કૅન્સરની દવાઓ પરનો GST બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં નમકીન અને સ્વાદિષ્ટ ફૂડ આઇટમો પરનો GST પણ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય કેદારનાથ કે પછી વૈષ્ણોદેવી હેલિકૉપ્ટર દ્વારા જવા માગતા લોકોને પણ રાહત આપવામાં આવી છે, ધાર્મિક યાત્રા માટે હેલિકૉપ્ટરના પ્રવાસ પરનો GST ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે. સરકાર સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓને સપ્લાય અને રિસર્ચ સર્વિસિસ માટે કોઈ GST નહીં રાખવામાં આવે.

મેડિકલ અને હેલ્થ ઇન્શ્યૉરન્સના મુદ્દે ગ્રુપ ઑફ મિનિસ્ટરની રચના

GST કાઉન્સિલની બેઠકમાં મેડિકલ અને હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ પર લેવામાં આવતા GSTના મુદ્દે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની રચના કરવામાં આવી હતી. આ ગ્રુપ ઑફ મિનિસ્ટર્સનું નેતૃત્વ બિહારના નાયબ મુખ્ય પ્રધાન કરશે. તેઓ ઑક્ટોબરના અંત સુધીમાં તેમનો રિપોર્ટ સોંપી દેશે અને એ રિપોર્ટના આધારે નવેમ્બર મહિનામાં મળનારી GST કાઉન્સિલની બેઠકમાં વીમા પ્રીમિયમો પરના GSTને ઘટાડવાના મુદ્દે નિર્ણય લેવામાં આવશે. 

national news india goods and services tax nirmala sitharaman indian government