રેલવેની તમામ સર્વિસ અને હૉસ્ટેલોની કરમાંથી મુક્તિ

23 June, 2024 08:18 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

GST કાઉન્સિલની ત્રેપનમી બેઠકમાં દૂધના ડબ્બા અને કૅન પર ૧૨ ટકાના સમાન ટૅક્સની ભલામણ

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ઍક્ટ (GST) કાઉન્સિલની ત્રેપનમી બેઠકમાં વેપારસુવિધા, કાયદાનું પાલન કરવાનો બોજ હળવો કરવા અને કરદાતાઓને રાહત આપવાના મુદ્દે ઘણા નિર્ણય લેવામાં આવ્યા હતા. GSTના દરોમાં છૂટ અને સ્પષ્ટતા સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.’

બેઠક બાદ મીડિયાને સંબોધતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ નિર્ણયોથી વેપારીઓ અને માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) સેક્ટર અને કરદાતાઓને ફાયદો થશે. કાઉન્સિલે તમામ દૂધના ડબ્બા અને કૅન પર ૧૨ ટકાના સમાન GST દરની ભલામણ કરી છે. ફાયર વૉટર સ્પ્રિન્કલર્સ સહિત તમામ પ્રકારનાં સ્પ્રિન્કલર્સ પર સમાન ૧૨ ટકાના દરે GST લાગશે. કાઉન્સિલે સોલર કુકર પર ૧૨ ટકાના GSTની ભલામણ કરી હતી.

ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ જેવી કે પ્લૅટફૉર્મ ટિકિટનું વેચાણ, રિટાયરિંગ રૂમની સુવિધા, વેઇટિંગ રૂમ, ક્લોક રૂમની સેવા અને બૅટરી સંચાલિત કારસેવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઇન્ટ્રા રેલવે સપ્લાયને પણ મુક્તિ આપવામાં આવી છે.

શૈક્ષણિક સંસ્થાની બહારના સ્ટુડન્ટ્સ માટેની હૉસ્ટેલને પણ GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય દર મહિને ૨૦,૦૦૦ રૂપિયા સુધીનાં સર્વિસિસ કિંમત ધરાવતાં ઘરોને પણ GSTમાંથી મુક્તિ આપવાની ભલામણ કરી છે. આ સેવાઓ કમસે કમ ૯૦ દિવસના સમયગાળા માટે પૂરી પાડવામાં આવે છે.

GST કાઉન્સિલે GST ઍક્ટની કલમ ૭૩ હેઠળ જારી કરવામાં આવેલી ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરી છે, જેમાં છેતરપિંડી, દમન અથવા ખોટાં નિવેદનો સામેલ ન હોય એવા કેસનો સમાવેશ છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮, ૨૦૧૮-’૧૯, ૨૦૧૯-’૨૦ માટે કલમ ૭૩ હેઠળ જારી કરવામાં આવેલી તમામ નોટિસો માટે આ જોગવાઈ લાગુ પડે છે. એમાં વ્યાજ અને દંડ માફ કરવામાં આવશે.

સરકારી દાવા ઘટાડવાના પ્રયાસ
સરકારી દાવા ઘટાડવાના મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘GST કાઉન્સિલે અપીલ દાખલ કરવા માટે GST અ‍ૅપેલેટ ટ્રિબ્યુનલ માટે ૨૦ લાખ રૂપિયા, હાઈ કોર્ટ માટે ૧ કરોડ રૂપિયા અને સુપ્રીમ કોર્ટ માટે બે કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદાની ભલામણ કરી છે. આ સિવાય અ‍ૅપેલેટ ઑથોરિટી સામે અપીલ દાખલ કરવા માટે પ્રી-ડિપોઝિટની મહત્તમ રકમ ૨૫ કરોડ CGST અને ૨૫ કરોડ SGSTથી ઘટાડીને ૨૦ કરોડ રૂપિયા CGST અને ૨૦ કરોડ રૂપિયા SGST કરી દેવાની ભલામણ કરી છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કાઉન્સિલની આ પહેલી બેઠક મળી હતી જેમાં વિવિધ રાજ્યોના નાણાપ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. 

નાના કરદાતાઓને રાહત
નાના કરદાતાઓને મદદ કરવા માટે કાઉન્સિલે ૩૦ એપ્રિલથી ૩૦ જૂન સુધી GSTR4 ફૉર્મમાં વિગતો અને રિટર્ન રજૂ કરવા માટેની સમયમર્યાદા લંબાવવાની ભલામણ કરી છે. આ છૂટછાટ ૨૦૨૪-’૨૫ પછીનાં રિટર્ન માટે લાગુ થશે. નાણાપ્રધાને આખા દેશમાં બાયોમેટ્રિક આધારિત આધાર ઑથેન્ટિકેશન પ્રોસેસ શરૂ કરવાની પણ જાણકારી આપી હતી, જેના કારણે નકલી ઇન્વૉઇસ દ્વારા કરવામાં આવેલા છેતરપિંડીના ઇન્પુટ ટૅક્સ ક્રેડિટના દાવાઓનો સામનો કરવામાં મદદ મળશે.

goods and services tax nirmala sitharaman national news india