05 June, 2023 11:07 AM IST | Balasor | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
ઓડિશામાં (Odisha) થયેલા ભયાનક ટ્રેન-અકસ્માતમાં જાનહાનિથી સમગ્ર દેશને પીડા થઈ રહી છે. આ અકસ્માતમાં ૫૦ વર્ષના ટ્રેડર માણિકલાલ તિવારી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. માણિકલાલે શુક્રવારે કટક જવા માટેના રૂટ પર કોરોમંડલ એક્સપ્રેસમાં બેઠા પછી પોતાના ફોનમાં એક વિડિયો રેકૉર્ડ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ તેમનું રેકૉર્ડિંગ પૂરું કરે એ પહેલાં જ ટ્રેન ટ્રૅક પરથી ખડી પડી હતી અને પાર્ક કરાયેલી ગુડ્સ ટ્રેનની સાથે ટકરાઈ હતી. ગુડ્સ ટ્રેનની સાથે ટકરાતાં ‘એસ-વન’ કોચ નષ્ટ થયો હોવા છતાં તિવારી પોતાનો જીવ બચાવી શક્યા હતા.
તેમના ભાઈ ચંદનલાલે કહ્યું હતું કે ‘મારો ભાઈ બહાર નીકળવામાં સફળ રહ્યો ત્યારે તેણે જોયું કે તેનો કોચ પૂરેપૂરી રીતે નષ્ટ થયો હતો અને ટ્રૅક્સ પર સેંકડો મૃતદેહો હતા. મારા ભાઈના હાથ અને માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું.’
થોડીક મિનિટ્સ ચાલ્યા પછી તિવારીએ એક વ્યક્તિને પાસેના પ્રાઇમરી હેલ્થ સેન્ટર લઈ જવા કહ્યું હતું. ચંદનલાલે કહ્યું હતું કે ‘ડૉક્ટર્સને જ્યારે મારો ભાઈ કેવી રીતે બચી ગયો એની ખબર પડી ત્યારે તેમને વિશ્વાસ જ ન થઈ શક્યો. ‘એસ-વન’ કોચ સંપૂર્ણપણે નષ્ટ પામ્યો હતો. મારા ભાઈની સામે એક યંગ કપલ બેઠું હતું, જેમાંથી પતિનું મોત થયું હતું, જ્યારે તેની વાઇફ બચી ગઈ હતી.’