10 November, 2024 06:53 AM IST | tirupati | Gujarati Mid-day Correspondent
તિરુપતિ
તિરુપતિને અલગ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની માગણી કરતી સામાજિક કાર્યકર અને ગ્લોબલ પીસ ઇનિશ્યેટિવ સંસ્થાના અધ્યક્ષ ડૉ. કે. એ. પૉલની જનહિતની અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. ડૉ. પૉલે તેમની અરજીમાં વૅટિકન સિટીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે એ દેશમાં માત્ર ૭૦૦ લોકો જ રહે છે, તિરુપતિમાં તો ૩૪ લાખ લોકો રહે છે અને તેથી એમના માટે અલગ રાજ્ય જાહેર કરી શકાય એમ છે, મારી માગણી આંધ્ર પ્રદેશ રાજ્યની ઇમેજને બચાવવાની છે.
આ પિટિશન વિશે ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે ‘તમારી માગણી મુજબ અમારે તમામ મંદિરો, ગુરુદ્વારા વગેરે માટે અલગ વ્યવસ્થા બનાવવી પડશે. અમે એવો આદેશ ન આપી શકીએ કે કોઈ વિશેષ ધર્મ માટે એક અલગ વ્યવસ્થા બનાવવામાં આવે. જો અમે આમ કરીએ તો અમારે જગન્નાથપુરી, કેદારનાથ, બદરીનાથ, મદુરાઈ મંદિર અને રામેશ્વરમ મંદિર માટે પણ અલગ રાજ્ય જાહેર કરવાં પડે.’