03 April, 2024 07:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વિપક્ષી ગઠબંધનના ‘INDIA’
દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે વિપક્ષી ગઠબંધનના ‘INDIA’ નામ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી હતી અને આ મામલે કેન્દ્ર અને વિપક્ષને તેમના જવાબો દાખલ કરવાની છેલ્લી તક આપી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ’ પોતાનો ‘INDIA’ તરીકે પ્રચાર કરે છે જે યોગ્ય નથી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. અરજીકર્તા ગિરીશ ઉપાધ્યાએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોર્ટને આ મામલે વહેલી સુનાવણી કરવા જણાવ્યું હતું. જોકે જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચે એનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે તેઓ ૧૦ એપ્રિલે આ મામલાની સુનાવણીનો પ્રયાસ કરશે. કોર્ટે અરજીમાં જણાવવામાં આવેલા વિપક્ષો પાસેથી પણ જવાબ માગ્યા છે.
તાજેતરમાં ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)એ આ મામલે પોતાનો જવાબ દિલ્હી હાઈ કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ જૂથ INDIA ટૂંકાક્ષરનો ઉપયોગ કરી શકે છે કે નહીં એ તેમના નિયંત્રણ હેઠળ નથી. ECIએ કહ્યું કે તેઓ રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ ઍક્ટની કલમ ૨૯એ અનુસાર રાજકીય પાર્ટી કે વ્યક્તિગત સંગઠનોની નોંધણી કરી શકે છે, પણ તેમને નિયંત્રિત કરી શકતી નથી.