14 April, 2023 12:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે ઓબીસી મુસ્લિમને આપવામાં આવેલા ૪ ટકા અનામતને હટાવીને વોક્કાલિગા અને લિંગાયતો માટે અનુક્રમે બે-બે ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને પ્રાથમિક રીતે ક્ષતિપૂર્ણ ગણાવ્યો હતો. બંધારણીય બેન્ચે કહ્યું હતું કે કોર્ટને એવું લાગે છે કે આ નિર્ણય સંપૂર્ણપણે ખોટી ધારણા પર આધારિત છે. કર્ણાટકના મુસ્લિમો તરફથી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ કપિલ સિબલ, દુષ્યંત દવે અને ગોપાલ શંકરનારાયણને કોર્ટને કહ્યું હતું કે અનામતને રદ કરવા માટે કોઈ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો નથી. સરકાર પાસે મુસ્લિમો માટેના અનામતને રદ કરવા માટે કોઈ ડેટા નહોતો. કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા તુષાર મહેતાએ કોર્ટ પાસે અરજીનો જવાબ આપવા માટે વધુ સમયની માગણી કરી હતી. વળી ત્યાં સુધી સરકારનો આદેશ છતાં કોઈ નિમણૂક અને પ્રવેશ આપવામાં નહીં આવે, એવી ખાતરી કોર્ટને આપી હતી. વોક્કાલિગા અને લિંગાયત સમુદાયના સભ્યો તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે આ અરજી પર એમનો જવાબ સાંભળ્યા વગર કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જોઈએ નહીં. રાજ્યની બોમ્માઈ સરકારે ૧૦ મેએ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામતને રદ કરવાની ઘોષણા કરી હતી.