19 July, 2024 11:38 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં બનનારી મંદિરની બ્લુપ્રિન્ટ
દિલ્હીમાં કેદારનાથ મંદિર બનાવવાના વિવાદનો હાલમાં અંત આવે એવું નથી લાગતું. શ્રી કેદારનાથ ધામ દિલ્હી ટ્રસ્ટ નામની સંસ્થાએ દિલ્હીના બુરાડીમાં ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામની પ્રતિકૃતિ બનાવવાની જાહેરાત કર્યા બાદ શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિએ એનો જોરદાર વિરોધ કરીને દિલ્હીમાં આ મંદિર બનાવનારા સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. જોકે આમ છતાં દિલ્હીના ટ્રસ્ટના સંસ્થાપક સુરેન્દ્ર રૌતેલા પોતાના નિર્ણય પર અટલ છે અને તેમનું કહેવું છે કે ‘આ બાબતે કોઈ પીછેહઠ કરવામાં નહીં આવે. જરૂર પડશે તો કાનૂની લડત લડવાની પણ અમારી તૈયારી છે.’
જોકે તેમણે લોકોમાં ખોટો ભ્રમ પેદા ન થાય એ માટે પોતાના ટ્રસ્ટના નામમાંથી ધામ શબ્દ કાઢી નાખવાનો નિર્ણય લીધો છે. સુરેન્દ્ર રૌતેલાનું કહેવું છે કે ‘આ રીતે કેદારનાથની પ્રતિકૃતિ બનાવનાર અમે કાંઈ પહેલા નથી. મુંબઈ અને ઇન્દોરમાં પણ આ પ્રકારનાં મંદિર બન્યાં છે. શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિએ આ લોકો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. અમે કંઈ ખોટું નથી કર્યું. અમે હિન્દુ અને સનાતન ધર્મ માટે કામ કરી રહ્યા છીએ.’ દિલ્હીમાં ત્રણ વર્ષની અંદર કેદારનાથ મંદિર તૈયાર કરવાની તેમની યોજના છે. શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે ઉત્તરાખંડમાં શ્રી કેદારનાથ ધામ દિલ્હી ટ્રસ્ટ વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.