પાકિસ્તાન અટકચાળાં કરશે તો ભારત આપશે જોરદાર જવાબ

10 March, 2023 12:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમેરિકન રિપોર્ટમાં જણાવાયું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીનો ભારત દ્વારા મિલિટરી ફોર્સની ઍક્શનથી જવાબ આપવાની શક્યતા ભૂતકાળની સરખામણીમાં વધારે છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરમાં સતત હિંસા કે પછી ભારતના કોઈ પણ ભાગમાં આતંકવાદી હુમલો ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી ઘર્ષણનું કારણ બને એવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

નવી દિલ્હી : અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીએ બુધવારે સંસદસભ્યોને કહ્યું હતું કે એને આશંકા છે કે ભારત અને પાકિસ્તાન તેમ જ ભારત અને ચીનની વચ્ચે તનાવ વધી શકે છે અને એમની વચ્ચે સંઘર્ષની શક્યતા રહેલી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીનો ભારત દ્વારા મિલિટરી ફોર્સની ઍક્શનથી જવાબ આપવાની શક્યતા ભૂતકાળની સરખામણીમાં વધારે છે.

આ અસેસમેન્ટ અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીના વાર્ષિક જોખમના મૂલ્યાંકનનો એક ભાગ છે, જેનો રિપોર્ટ ઑફિસ ઑફ ડિરેક્ટર ઑફ નૅશનલ ઇન્ટેલિજન્સ દ્વારા અમેરિકન કૉન્ગ્રેસને સોંપવામાં આવ્યો હતો.  

આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે જ્યાં ભારત અને ચીન સીમાવિવાદનો ઉકેલ લાવવા માટે વાતચીત કરી રહ્યા છે. ૨૦૨૦માં બન્ને દેશો વચ્ચેના ઘાતક સંઘર્ષને ધ્યાનમાં રાખીને બન્ને દેશો વચ્ચેના સંબંધો તનાવજનક રહેશે.

આ પણ વાંચો: ભારતે કહ્યું કે પાકિસ્તાનની તુચ્છ અને આધાર વિનાની કમેન્ટ જવાબ આપવાને પણ લાયક નથી

બન્ને દેશો દ્વારા વિવાદાસ્પદ સ્થળોએ આર્મ્ડ ફોર્સિસની હાજરી બૉર્ડર વિવાદને લઈને બે પરમાણુ શક્તિઓ વચ્ચે લશ્કરી ઘર્ષણનું જોખણ વધારે છે. આ પહેલાંના ઘર્ષણથી ખ્યાલ આવે છે કે વાસ્તવિક અંકુશ રેખા પર સતત નાની-નાની લડાઈના કારણે ઝડપથી બન્ને દેશો વચ્ચેનું ઘર્ષણ ખૂબ વણસી શકે છે.  

આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે પરમાણુ શસ્ત્રો ધરાવતા ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતો તનાવ ચિંતાનો વિષય છે.

આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ‘પાકિસ્તાનનો ભારતવિરોધી આતંકવાદી જૂથોને સપોર્ટ કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપમાં ભારત પાકિસ્તાનની ઉશ્કેરણીનો લશ્કરી બળથી જવાબ આપે એની ભૂતકાળ કરતાં અત્યારે વધુ શક્યતા રહેલી છે.

united states of america china pakistan new delhi india