નરેન્દ્ર મોદીએ પ્રધાનોનો કાન આમળીને કહ્યું...

14 October, 2024 08:44 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ફાઇલ તમારા ટેબલ પરથી બીજા ટેબલ પર ગઈ એટલે કામ થઈ ગયું એમ નહીં માનતા

નરેન્દ્ર મોદી

કહ્યું કે લોકોના પ્રેમના કારણે તમે સત્તામાં છો, સરકારો આવશે અને જશે પણ લોકોનાં કામ અટકવાં જોઈએ નહીં એનું ધ્યાન રાખવાનું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળની બેઠકમાં તેમના સાથી પ્રધાનોને લોકોની ફરિયાદો પર અગ્રક્રમે કામ કરવાની તાકીદ કરી છે અને જણાવ્યું હતું કે તેમના ટેબલ પર આવેલી ફાઇલ બીજા ટેબલ પર પાસ કરી દેવાથી કામ થઈ ગયું એમ માનશો નહીં, જ્યાં સુધી એ ફરિયાદ પર અંતિમ નિર્ણય આવે નહીં ત્યાં સુધી એના પર ધ્યાન આપવાનું રહેશે. ઘણા કેસમાં ફાઇલ રાજ્યોને મોકલી દેવામાં આવે છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે એમ માનતા હશો કે મારું કામ થઈ ગયું પણ એવું નથી, બીજાના ટેબલ પર ફાઇલ મોકલી દેવાથી સમસ્યાનો ઉકેલ આવી જતો નથી; જ્યાં સુધી ફરિયાદનું લૉજિકલ સમાધાન ન આવે ત્યાં સુધી કામ કરવું પડશે.

નરેન્દ્ર મોદીએ શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે ‘એ ભૂલવાની જરૂર નથી કે લોકોના પ્રેમના કારણે તમે સત્તામાં છો અને દેશની જનતાએ તમને કામ કરવાની જવાબદારી આપી છે. સરકારો આવશે અને જશે પણ લોકોનાં કામ અટકવા જોઈએ નહીં, એનું ધ્યાન રાખવાની જરૂર છે.’

નરેન્દ્ર મોદીએ પ્રધાનો અને સચિવોને અઠવાડિયામાં એક દિવસ માત્ર લોકોની ફરિયાદ પર ધ્યાન આપવાની મેકૅનિઝમ શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો. આ માટે કૅબિનેટ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતને મેકૅનિઝમ મૉનિટર કરવાની જવાબદારી આપી હતી.

પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) દ્વારા થયેલાં કામ બાબતે ઉદાહરણ આપતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘PMOએ ગયાં ૧૦ વર્ષમાં ચાર કરોડથી વધારે ફરિયાદોનું નિરાકરણ કર્યું છે. અગાઉના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની સરકારે જેટલી સમસ્યાનું નિરાકરણ કર્યું હતું એનાથી આ આંકડો બમણો છે.’

કેવી ફરિયાદો

PMOને જે ફરિયાદ મળી હતી એમાંથી મોટા ભાગની બૅન્કિંગ સેવા, લેબર વિભાગ અને ગ્રામીણ વિકાસને લગતી હતી. ૪૦ ટકા ફરિયાદો સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ અને ૬૦ ટકા ફરિયાદો સ્ટેટ ડિપાર્ટમેન્ટની હતી. એક લાખ રિડ્રેસલ ઑફિસરોને ઓળખી કાઢીને તેમને આ કામ અગ્રક્રમે કરવાનો આદેશ અપાયો છે. વડા પ્રધાન મોદી ત્રીજા ટર્મમાં ગુડ ગવર્નન્સના મુદ્દાને પ્રાધાન્ય આપવા માગે છે.

ચોવીસે કલાક ફરિયાદ મોકલવા ઑનલાઇન પ્લૅટફૉર્મ 
સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રિવન્સ રિડ્રેસલ ઍન્ડ મૉનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) એ એક ઑનલાઇન પ્લૅટફૉર્મ છે જ્યાં નાગરિકો દિવસમાં ચોવીસે કલાક તેમની કોઈ પણ સમસ્યાને લગતી ફરિયાદ મોકલી શકે છે. એમાં ૧,૦૧,૬૭૫ ગ્રિવન્સ રિડ્રેસલ ઑફિસરો કાર્યરત છે. ૨૭,૮૨,૦૦૦  નાગરિકોએ એમાં પોતાને રજિસ્ટર કરાવ્યા છે અને તેઓ દર વર્ષે આશરે ૩૦ લાખ ફરિયાદો મોકલી આપે છે. ૨૦૨૨-૨૦૨૪ વચ્ચે ૬૭,૨૦,૦૦૦ ફરિયાદોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. 2૨૦૨૨માં ફરિયાદોનું નિરાકરણ ૨૮ દિવસમાં થતું હતું એ ૨૦૨૪માં ઘટીને ૧૬ દિવસ સુધી આવી ગયું છે.

સરકારી ફાઇલની ચારધામ યાત્રા સાથે સરખામણી
નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં સપ્ટેમ્બર મહિનામાં અમલદારો સાથે બીજી વાર બેઠક કરી હતી અને ગુડ ગવર્નન્સના મુદ્દે સરકારી અમલદારોને સમયબદ્ધ કાર્યક્રમ સાથે તૈયાર રહેવા જણાવ્યું હતું. એક સરકારી ફાઇલને માનવજીવનની સાથે સરખામણી કરતાં મોદીએ કહ્યું હતું કે ‘માનવ તેના જીવનમાં ચારધામની યાત્રા કરે તો તે મોક્ષને પામે એવી માન્યતા છે પણ એક સરકારી ફાઇલ એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફર્યા કરે છે પણ એને મોક્ષ (કામ પૂર્ણ થતું નથી) મળતો નથી.’

national news india narendra modi bharatiya janata party delhi news new delhi indian government