28 November, 2024 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજમેર શરીફ દરગાહ
રાજસ્થાનના અજમેરમાં આવેલી અજમેર શરીફ દરગાહ શિવ મંદિરના સ્થાને બાંધવામાં આવી હોવાનો દાવો હિન્દુ સેનાએ કર્યા બાદ સિવિલ કોર્ટે એના સર્વેને મંજૂરી આપી દીધી છે. આથી હવે આ સ્થળનો સર્વે કરવામાં આવશે. આ સર્વે ૨૦ ડિસેમ્બરે કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.
આ મુદ્દે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ પહેલાં ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી હતી પણ મૅજિસ્ટ્રેટ પ્રીતમ સિંહે એમ કહીને સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો કે આ તેમના અધિકારક્ષેત્રની બહારની બાબત છે. એ પછી અરજદારે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી
હિન્દુ પક્ષનો દાવો છે કે દરગાહની જમીન પર પહેલાં પ્રાચીન શિવ મંદિર હતું, એમાં રોજ પૂજા અને જળાભિષેક થતો હતો. આ માટે ૧૯૧૧માં અજમેર નિવાસી હરવિલાસ શારદા દ્વારા લખવામાં આવેલા એક પુસ્તકનો હવાલો આપવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં દરગાહની જગ્યાએ મંદિર હોવાનો ઉલ્લેખ છે. દરગાહ પરિસરમાં મોજૂદ ૭૫ ફુટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં મંદિરના અવશેષો વપરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દરગાહની અંદર મંદિરનું ગર્ભગૃહ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સિવિલ કોર્ટના જજ મનમોહન ચંદેલે અરજીનો સ્વીકાર કરીને સુનાવણીને લાયક માની છે અને આર્કિયોલૉજિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા સર્વે કરાવવાની નોટિસ જાહેર કરી છે. સર્વેમાં ખબર પડશે કે પહેલાં અહીં હિન્દુ મંદિર હતું કે નહીં. આ બાબતે જજે અજમેર દરગાહ કમિટી, લઘુમતી વિભાગ અને ASIને નોટિસ આપી છે.