11 February, 2024 10:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (સીએએ)ને લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે જાહેર કરવામાં આવશે અને અમલી બનાવાશે, એમ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જણાવ્યું હતું. સીએએને દેશના કાયદા તરીકે ઓળખાવી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાયદો ન તો કોઈને નાગરિકતા પૂરી પાડે છે કે ન તો કોઈની નાગરિકતા લઈ લે છે.
સીએએ દેશનો કાયદો છે. ચૂંટણી પૂર્વે એને જારી કરવામાં આવશે. આ બાબતે કોઈને મૂંઝવણ નહીં રહેવી જોઈએ. આપણા દેશમાં લઘુમતી કોમના લોકો છે અને ખાસ કરીને મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. સીએએ કોઈની નાગરિકતા છીનવી નહીં શકે, કેમ કે કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. સીએએ એક એવો કાયદો છે કે જે બંગલાદેશ અને પાકિસ્તાનમાં ત્રસ્ત થયેલા લોકોને નાગરિકતા પૂરી પાડે છે, એમ શાહે એક સમિટમાં બોલતાં અહીં જણાવ્યું હતું. કૉન્ગ્રેસ સરકારે સીએએના અમલની ખાતરી આપી હતી. કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે સરકાર નિરાશ્રિતોને ભારતમાં આવકારશે અને તેઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. હવે કૉન્ગ્રેસ પોતાના વચનમાંથી ફરી ગઈ છે, એમ અમિત શાહે જણાવ્યું હતું.
રાહુલ ગાંધીને જાહેરમાં વારંવાર જુઠ્ઠું બોલવાની આદત છે
રાહુલ ગાંધીને જાહેરમાં વારંવાર જુઠ્ઠાણા ઉચ્ચારવાની આદત છે, એમ જણાવીને અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ સામે સવાલ કરવા બદલ કૉન્ગ્રેસી નેતાની આકરી ઝાટકણી કાઢી હતી.અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જન્મે ઓબીસી નથી. આના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે કૉન્ગ્રેસનો ઇતિહાસ રહ્યો છે હકીકતોને વિકૃત કરીને વિવાદો નિર્માણ કરવાનો.
તેમણે વધુમાં કહ્યું હતું કે મને શંકા છે કે કૉન્ગ્રેસને બ્લૉક અને જાતિ વચ્ચેના તફાવતની ખબર છે. પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ ઓબીસી છે અને ઓબીસી એ બ્લૉક છે, જ્ઞાતિ નથી.