કેન્દ્ર સરકાર નેપાલના રૂટને બાયપાસ કરીને કૈલાશ માનસરોવર સુધીનો રસ્તો બનાવશે: નીતિન ગડકરી

31 March, 2025 07:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બાકીનાં ૧૬-૧૭ કિલોમીટરના બાંધકામ માટે ચીન સાથે ચર્ચા કરવામાં આવશે અને પછી એનું બાંધકામ કરવામાં આવશે

કૈલાશ માનસરોવર

કેન્દ્રીય પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર કૈલાશ માનસરોવર સુધીનો રોડ બનાવી રહી છે અને એનું ૮૫ ટકા કામ પૂરું થયું છે. આ રોડ બનાવવામાં હવામાન ખૂબ જ અવરોધરૂપ હોવા છતાં ઉત્તરાખંડના પિથોરાગઢથી કૈલાશ માનસરોવર સુધીના ૮૫ ટકા રોડનું બાંધકામ થઈ ગયું છે. આ રસ્તો સીધો કૈલાશ માનસરોવર જશે અને આમ નેપાલ બાયપાસ થશે. જોકે કૈલાશ પર્વત સુધી પહોંચવા માટેનાં બાકીનાં ૧૬-૧૭ કિલોમીટરના બાંધકામ માટે ચીન સાથે ચર્ચા કરવામાં આવશે અને પછી એનું બાંધકામ કરવામાં આવશે.’

રોડ બાંધવામાં અવરોધ વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે ‘જ્યાં રોડ બની રહ્યો છે ત્યાં તાપમાન માઇનસ ૮ ડિગ્રી સુધી નીચું આવી જાય છે. વર્ષમાં માત્ર ત્રણ-ચાર મહિના માટે જ કામ થઈ શકે છે, બાકીનો સમય આ વિસ્તાર બરફથી આચ્છાદિત રહે છે. આ વખતે એપ્રિલ પછી હું ફરીથી આ સ્થળની મુલાકાત લેવાનો છું. આ રોડ ટૂંક સમયમાં શરૂ થઈ જશે.’ કૈલાશ માનસરોવર યાત્રા પ્રોજેક્ટ વ્યૂહાત્મક અને યાત્રાધામ એમ બેઉ હેતુઓથી મહત્ત્વપૂર્ણ છે.

national news india nepal travel news nitin gadkari indian government china