14 September, 2024 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કર્યું છે. આની જાણકારી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી.
પોર્ટ બ્લેર સાઉથ આંદામાન ટાપુના પૂર્વીય તટ પર સ્થિત છે અને એને આંદામાન અને નિકોબાર ટાપુઓનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બ્રિટિશ કોલોનિયલ નેવી ઑફિસર કૅપ્ટન આર્ચીબાલ્ડ બ્લેરના નામ પરથી એનું નામ પોર્ટ બ્લેર રાખવામાં આવ્યું હતું.
આ મુદ્દે અમિત શાહે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘દેશને ગુલામીનાં તમામ પ્રતીકોથી મુક્તિ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી પ્રેરિત થઈને ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી વિજયપુરમ નામ આપણી આઝાદીની લડાઈ અને એમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે. ચોલ સામ્રાજ્યમાં નૌસેનાના મથક તરીકેની ભૂમિકા નિભાવનારો આ ટાપુ આજે દેશની સુરક્ષા અને વિકાસની ગતિ આપવા માટે તૈયાર છે. આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, સ્વાતંયવીર સાવરકર અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા મા ભારતીની સ્વાધીનતાના સંઘર્ષનું પણ સ્થાન રહ્યો છે. નેતાજીએ સૌથી પહેલાં તિરંગો આ ટાપુ પર લહેરાવ્યો હતો. સેલ્યુલર જેલમાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા.’
આ શહેરમાં આવેલી ટૂરિસ્ટ ઍટ્રૅક્શનસમી સેલ્યુલર જેલ નૅશનલ મેમોરિયલમાં આઝાદી પહેલાં સ્વતંત્રતા સેનાનીઓને અને કાલા પાણીની સજા કરાયેલા કેદીઓને રાખવામાં આવતા હતા.