09 January, 2025 01:16 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
કમલા સિરવીનો માથું ખવાયેલો મૃતદેહ રેલવે-ટ્રૅક પાસેની ઝાડીમાંથી મળી આવ્યો હતો.
સુરતથી બૅન્ગલોર જતી ટ્રેનમાં પરિવાર સાથે પ્રવાસ કરી રહેલી મારવાડી મહિલા રાત્રે વૉશરૂમ ગયા બાદ રહસ્યમય રીતે ગાયબ થવાની અને ત્યાર બાદ બીજા દિવસે તેનો માથું ખવાયેલી હાલતમાં મૃતદેહ ટ્રૅક પાસેની ઝાડીમાંથી મળી આવવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ૩૭ વર્ષની કમલા સંદીપ સિરવી નામની મહિલા ચાલુ ટ્રેનમાંથી પડી ગઈ હતી કે તેણે પહેરેલા દાગીના લૂંટવાના ઇરાદે કોઈએ તેને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો એની તપાસ રેલવે પોલીસે હાથ ધરી છે. ૨૪ કલાક બાદ કમલાનો મૃતદેહ હાથ લાગ્યો હતો ત્યારે કોઈ જંગલી પ્રાણીએ તેનો ચહેરો કરડી ખાધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બૅન્ગલોરમાં હાર્ડવેરની દુકાન ધરાવતા સંદીપ સિરવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પત્ની કમલા મારા નાના ભાઈની પત્ની સહિત પરિવારજનો સાથે ૩ જાન્યુઆરીએ જોધપુરથી બૅન્ગલોર આવતી ટ્રેનમાં સાંજના ૬ વાગ્યે સુરતથી એસ-૬ કોચમાં ચડી હતી. રાતના બે વાગ્યે કમલા વૉશરૂમ જવાનું કહીને તેની સીટ પરથી ઊભી થઈને કોચના વૉશરૂમ તરફ ગઈ હતી. ટ્રેન કરાડ પાસે પહોંચવાની હતી ત્યારે મારા ભાઈની પત્ની જાગી હતી. ત્યારે કમલા તેની સીટ પર ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી ચોંકી જઈને મારા ભાઈની પત્ની અને સાથેના સંબંધીઓએ આખા કોચમાં તપાસ કરી હતી, પરંતુ કમલાનો ક્યાંય પત્તો નહોતો લાગ્યો. ટ્રેન કરાડ રેલવે-સ્ટેશને પહોંચી ત્યારે તેમણે કમલા ગાયબ થઈ હોવાની ફરિયાદ રેલવે-પોલીસમાં નોંધાવી હતી.’
બીજા દિવસે મૃતદેહ મળ્યો
સંદીપ સિરવીએ કહ્યું હતું કે ‘રેલવેમાં ફરિયાદ નોંધ્યા બાદ રેલવે પોલીસે કરાડ રેલવે-સ્ટેશનની આસપાસ આખો દિવસ કમલાનો પત્તો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એમાં સફળતા નહોતી મળી. કરાડની પહેલાં સાતારા રેલવે-સ્ટેશન આવે છે. ત્યાંના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસ્યા બાદ પણ કમલાનો પત્તો નહોતો મળ્યો. બીજા દિવસે સવારે રેલવે-ટ્રૅકની આસપાસના ભાગમાં તપાસ કરતાં સાતારા અને કરાડ રેલવે-સ્ટેશનની વચ્ચે ભાગમાં ઝાડીમાંથી માથું ખવાઈ ગયેલી હાલતમાં કમલાનો મૃતદેહ મળ્યો હતો.’
ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી?
મિરજ રેલવે-પોલીસની હદમાં આવતી કરાડ રેલવે-પોલીસે કમલા સિરવીનો આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે, પણ મૃતદેહ સાતારા ગ્રામીણ પોલીસની હદમાંથી મળી આવ્યો હતો એટલે હવે આગળની તપાસ સાતારા પોલીસ કરી રહી છે. કરાડ રેલવે-પોલીસના સબ-ઇન્સ્પેક્ટર શરદ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમલા સિરવી વૉશરૂમમાં ગયા બાદ ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ હતી કે કોઈએ ગળામાં પહેરેલી સોનાની ચેઇન લૂંટવાના ઇરાદે ધક્કો મારી દીધો હતો એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૩ જાન્યુઆરીએ આ મહિલા ગાયબ થયા બાદ બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે કોઈ જંગલી પ્રાણીએ તેનો ચહેરો કરડી ખાધો હોવાનું જણાયું હતું.’