10 September, 2024 09:55 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરની રામેશ્વરમ કૅફેમાં પહેલી માર્ચે બૉમ્બ બ્લાસ્ટ કરનારા હુમલાખોરોએ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે બૅન્ગલોરના મલ્લેશ્વરમમાં આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઑફિસમાં બૉમ્બ બ્લાસ્ટનો પ્લાન બનાવ્યો હતો, એમ આ કેસમાં તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓએ જણાવ્યું હતું. આ હુમલાખોરોએ ઑફિસમાં ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇસ (IED)ની મદદથી આ બ્લાસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. રામેશ્વરમ કૅફેના બ્લાસ્ટ કેસમાં NIAની ચાર્જશીટમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટનાના ૪૨ દિવસ બાદ આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તાઝા અને શાઝિબ નામના બે હુમલાખોરોને ક્રિપ્ટોકરન્સી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. જોકે BJP ઑફિસમાં બ્લાસ્ટ થયો નહીં અને એથી તેમને બૅન્ગલોરના બ્રુકફીલ્ડ વિસ્તારમાં આવેલી રામેશ્વરમ કૅફેમાં બ્લાસ્ટ કરવાનો આદેશ અપાયો હતો અને પહેલી માર્ચે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ૯ લોકો ઘાયલ થયા હતા.