21 October, 2024 11:42 AM IST | Kashmir | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાશ્મીરના ગંડરબાલ જિલ્લાના ગુંડ વિસ્તારમાં આતંકવાદીઓએ ગઈ કાલે સાંજે કરેલા ગોળીબારમાં ત્રણ માઇગ્રન્ટ કામદારોનાં મૃત્યુ થયાં હતાં અને પાંચથી વધારે લોકો ઘાયલ થયા હતા. તેઓ ગુંડ વિસ્તારમાં ટનલનું કામ કરી રહ્યા હતા એ સમયે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
ગયા અઠવાડિયે ઓમર અબદુલ્લાની સરકાર આવ્યા બાદ આ બીજો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલાં છેલ્લા છ મહિનામાં જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન દરમ્યાન ઘણા આતંકવાદી હુમલાઓ થતા હોવાથી એવું માનવામાં આવતું હતું કે સરકાર આવી ગયા બાદ એમાં ઘટાડો થશે. જોકે આતંકવાદીઓએ બીજાં રાજ્યોમાંથી કામ કરવા આવેલા વર્કર પર અટૅક કર્યો હોવાથી એની પાછળ કોઈ નવી પૅટર્ન તો નથીને એની તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલાં શનિવારે શોપિયાંમાં પણ બીજા રાજ્યમાંથી આવેલા વર્કર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક વર્કરનું મૃત્યુ થયું હતું.