હવામાન ખાતા દ્વારા હીટવેવની અલર્ટ, શનિવાર સુધી ગરમીથી રાહત મળવાની સંભાવના નથી

22 May, 2024 08:36 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો ૪૪થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉત્તર ભારતમાં હાલમાં પ્રચંડ ગરમી પડી રહી છે અને લોકોને ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. ભારે ગરમી અને લૂને કારણે લોકોની તબિયત ખરાબ થઈ રહી છે. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે કે પચીસમી મે સુધી રાજસ્થાન અને પંજાબના કેટલાક વિસ્તાર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, વેસ્ટર્ન ઉત્તર પ્રદેશ, ઈસ્ટર્ન ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં ભારે હીટવેવની આગાહી છે. દિવસનું તાપમાન ૪૪થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે અને રાત્રિના તાપમાનમાં પણ માત્ર નજીવો ઘટાડો થશે. દિલ્હીના નજફગઢમાં ગઈ કાલે સૌથી વધુ તાપમાન ૪૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બીજી તરફ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં આજે તાપમાન ૪૦થી ૪૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની આગાહી છે. ગરમીમાં લોકોને બહાર નહીં જવા અને વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

વરસાદની પણ આગાહી
બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવવા મુજબ તામિલનાડુ, કેરલા, પૉન્ડિચેરી અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપમાં ભારે વરસાદ અને ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડમાં હળવા વરસાદની આગાહી છે. 

national news Weather Update new delhi indian meteorological department