26 November, 2024 10:25 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી
તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ ગઈ કાલે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે રાજ્યમાં યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આપેલું ૧૦૦ કરોડ રૂપિયાનું દાન અમે નથી લેવાના. ગૌતમ અદાણી સામે ભારતમાં આશરે ૨૦૦૦ કરોડની લાંચ આપવાનો આરોપ મૂકીને અમેરિકામાં કેસ થયો છે એને પગલે રેવંત રેડ્ડી સરકારે આ નિર્ણય લીધો છે. ગૌતમ અદાણી દ્વારા રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના મુદ્દે રેવંત રેડ્ડી સરકાર નિશાના પર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મુદ્દે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ‘આ નિર્ણય કોઈના દબાણમાં આવીને લેવામાં આવ્યો નથી. કોઈ મારા પર દબાણ લાવી શકે એમ નથી. કોઈ દબાણ કરે તો પણ હું એ માનવાનો નથી. અદાણી ગ્રુપ પર કેટલાક આરોપ લાગ્યા છે. આરોપોમાં તેલંગણ રાજ્યનું નામ પણ લેવામાં આવ્યું છે. અમે આ પૂરા વિવાદમાં તેલંગણને અલગ રાખવા માટે આ નિર્ણય લીધો છે. અમારી સરકારનું બજેટ ત્રણ લાખ કરોડનું છે એથી ૧૦૦ કરોડ રૂપિયાની રકમ કાંઈ મોટી નથી. અમે સારી રીતે સરકાર ચલાવી રહ્યા છીએ એટલે વિવાદમાં પડવા નથી માગતા. આ ૧૦૦ કરોડ રૂપિયામાંથી એક પણ રૂપિયો હજી તેલંગણ સરકારના ખાતામાં આવ્યો નથી એથી કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી હેઠળ મળનારું ફન્ડ ન લેવાનો અમે નિર્ણય લીધો છે.’