તેલંગાણા હાઈ કોર્ટમાં દલીલ દરમિયાન વકીલ ઢળી પડ્યા, હાર્ટ ઍટેક આવતા મોત

20 February, 2025 07:17 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

Telangana lawyer dies of heart attack: 66 વર્ષીય વકીલ પાસનૂરુ વેણુગોપાલ રાવ સ્ટિસ લક્ષ્મી નારાયણા અલિશેટ્ટી સમક્ષ કેસની રજૂઆત કરતા હાઈ કોર્ટમાં દલીલ દરમિયાન અચાનક ઢળી પડ્યા. સારવારની કોશિશ છતાં બચી શક્યા નહીં.

પ્રતીકાત્મક તસ્વીર (સૌજન્ય: મિડ-ડે)

તેલંગાણા હાઈ કોર્ટમાં મંગળવારે એક વકીલનું દલીલ દરમિયાન હાર્ટ ઍટેક આવતા નિધન થયું હતું. 66 વર્ષીય વકીલ પાસનૂરુ વેણુગોપાલ રાવ જસ્ટિસ લક્ષ્મી નારાયણા અલિશેટ્ટી સમક્ષ બપોરે 1:20 વાગ્યે કેસની રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક અસ્વસ્થતા જણાઈ અને તેઓ કોર્ટરૂમમાં ઢળી પડ્યા હતા.

ઘટનાસ્થળે હાજર અન્ય વકીલોએ તરત જ તેમને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) આપ્યો હતો અને ઓસ્માનિયા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં પહોંચતા જ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા. અહેવાલ મુજબ, તેલંગાણા હાઈ કોર્ટ બાર એસોસિએશનના (BAR Association) અધ્યક્ષ રવિંદર રેડ્ડીએ પુષ્ટિ કરી કે વકીલોએ જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા નહીં.

1998થી હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા
પાસનૂરુ વેણુગોપાલ રાવ 1998થી તેલંગાણા હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમના અચાનક અવસાનથી સાથી વકીલોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ પહેલા પણ આવી ઘટના બની હતી
આ પહેલીવાર નથી કે હૃદયરોગના હુમલાને કારણે જાહેર સ્થળે કે મંચ પર કોઈનું મૃત્યુ થયું હોય. કર્ણાટકમાં ઑગસ્ટ 2024માં પણ એક આવો જ કિસ્સો બન્યો હતો, જ્યારે 63 વર્ષીય કૉંગ્રેસ નેતા રવિ ચંદ્રનનું પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન હાર્ટ ઍટેક આવતા નિધન થયું હતું. ચંદ્રન ‘MUDA કૌભાંડ’ મામલે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને સમર્થન જાહેર કરવા માટે બૅંગલુરુના પ્રેસ ક્લબમાં મીડિયાને સંબોધી રહ્યા હતા. 

હાર્ટ ઍટેકના સંકેત ઓળખવા જરૂરી
હાર્ટ ઍટેક એક અચાનક થતી ઘટનાઓમાંની એક છે, પણ સંશોધન દર્શાવે છે કે લગભગ 45 ટકા દર્દીઓને હાર્ટ ઍટેક પહેલા વર્ષ, મહિના, કે અઠવાડિયા અગાઉથી કેટલાક લક્ષણો દેખાઈ શકે છે. અવાર-નવાર આ સંકેતો નોટિસ કરવામાં આવતાં નથી, જેના કારણે જીવ ગુમાવવાનો ભય રહે છે.

સૌથી સામાન્ય લક્ષણો:
છાતીમાં તીવ્ર દુખાવો કે દબાણ અનુભવવું
શ્વાસ લેવામાં તકલીફ
થાક કે શારીરિક નબળાઈ અનુભવવી
છાતીથી હાથ, ગળા કે પીઠમાં ફેલાતો દુખાવો
શારીરિક પરસેવો થવો અને અચાનક ચક્કર આવવા

સ્ત્રીઓમાં હાર્ટ ઍટેકના લક્ષણો પુરુષોની તુલનામાં અલગ હોઈ શકે છે. પુરૂષો સામાન્ય રીતે છાતીના દુખાવા અને શ્વાસની તકલીફનો અનુભવ કરે છે, જ્યારે સ્ત્રીઓમાં ગૅસની તકલીફ થવી, કમર અથવા પીઠમાં દુખાવો, ઉલટી થવી, ચક્કર આવવા કે શરીરમાં અચાનક પરસેવો આવવો જેવા લક્ષણો પણ હોઈ શકે છે. આ કારણે ઘણી વખત મહિલાઓમાં હાર્ટ ઍટેકને ઓળખવામાં મોડું થઈ શકે છે.

ચૂકી ન જશો! તાત્કાલિક પગલાં લેવું જીવન બચાવી શકે
જો કોઇ વ્યક્તિને ઉપર જણાવેલા લક્ષણો દેખાય, તો તેને તાત્કાલિક તબીબી સહાય આપવી જોઈએ. સમયસર હાર્ટ ઍટેકને ઓળખી, તરત જ ડૉક્ટરની સલાહ લેવા અને જરૂરી સારવાર શરૂ કરવાથી જીવ બચી શકે છે.

telangana heart attack health tips national news news hyderabad