તેલંગણ - દક્ષિણની રાજકીય વ્યૂહરચનાનો ગઢ : કોણ હારશે, કોણ જીતશે?

29 November, 2023 12:01 PM IST  |  Mumbai | Dr. Vishnu Pandya

ચૂંટણી જીતવા ઊભેલા ઉમેદવારો ૨૨૯૦ છે, કેટલાક ખરી પડ્યા. કોઈ ને કોઈ પક્ષ સાથે તેમણે ‘સમજૂતી’ કરી લીધી છે, પણ તોયે ઉમેદવારો ઓછા નથી

તેલંગણમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગઈ કાલે ગજવેલમાં એક સભામાં રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ.

આવતી કાલે દક્ષિણ ભારતના તેલંગણ પ્રદેશનો મતદાર પોતાના રાજ્યનું ભવિષ્ય નક્કી કરશે કે આગામી પાંચ વર્ષ કોની સત્તા હોવી જોઈએ.આનો જવાબ મેળવવા તમામ રાજકીય પક્ષોના પ્રચારના ઘોડા દોડી રહ્યા છે. હાંફી જાય એટલો પ્રચાર કર્યો છે. એના હાલના મુખ્ય પ્રધાન કવલતુલા ચંદ્રશેખર રાવ અર્થાત્ કે. સી. રાવની મહત્ત્વાકાંક્ષા પ્રદેશ પૂરતા અસરકારક ભોગવટાની નથી, રાષ્ટ્રીય સ્તરે પણ કામયાબી મેળવવાની મહત્ત્વાકાંક્ષા છે. આવી ઇચ્છા રાખનારા ભૂતકાળમાં સર્વત્ર સક્રિય રહ્યા. તેલુગુ દેસમના રામારાવ અને પછી ચંદ્રબાબુ નાયડુ, તામિલ મુન્નેત્ર કઝગમનાં જયલલિતા, બહુજન સમાજનાં માયાવતી, બિહારના લાલુપ્રસાદ યાદવ, મુલાયમ સિંહ યાદવ અને હવે નીતીશ કુમાર, કાશ્મીરના ફારુક અબદુલ્લા, ઉત્તર પ્રદેશના હેમવતી નંદન બહુગુણા, મહારાષ્ટ્રના યશવંતરાવ, બિહારના જગજીવન રામ અને સૌથી વધુ ઇચ્છાધારી ચૌધરી ચરણ સિંહ તેમ જ મહારાષ્ટ્રના શરદ પવાર બધાને ‘હોઉં તો હોઉં વડા પ્રધાન’નાં સપનાં આવ્યાં હતાં એ રસપ્રદ ઇતિહાસ છે. કહે છે કે કે. ચંદ્રશેખરે પણ એક વાર દિલ્હી દરબાર જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજેપીના સાથ-સંગાથ માટે દાણો ચાંપી જોયો હતો. પોતાના પક્ષનું પ્રાદેશિક નામ આખેઆખું બદલાવીને રાષ્ટ્રીય વાઘા પહેરી લીધા એ કારણ વિનાની વ્યૂહરચના નથી.પણ એ પહેલાં તેલંગણનો ગઢ જીતવો પડે એટલે મુખ્ય પ્રધાને ચૂંટણીનો દાવ કોઈ પણ ભોગે ખેલવાનો નિર્ણય કર્યો. પક્ષમાં વડા પ્રધાન બનવાનો ઇરાદો રાખનારા પણ ઘણા છે. તેમના એક હરીશરાવ છે. બીજા પણ છે.

ચૂંટણી જીતવા ઊભેલા ઉમેદવારો ૨૨૯૦ છે, કેટલાક ખરી પડ્યા. કોઈ ને કોઈ પક્ષ સાથે તેમણે ‘સમજૂતી’ કરી લીધી છે, પણ તોયે ઉમેદવારો ઓછા નથી. મુખ્ય પ્રધાનના મતવિસ્તારમાં ૪૦ ઉમેદવારો છે, જે દોસ્તી અને દુશ્મનીનું ચિત્ર છે, ભારે રસપ્રદ છે. ભારત રાષ્ટ્ર સમિતિએ કોઈ ન મળ્યું તો સામ્યવાદી (સીપીઆઇ) સાથે સમજૂતી કરીને કુલ ૧૧૯ એટલે કે તમામ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે. કૉન્ગ્રેસને તો એવું જ લાગે છે કે આ વખતે આપણો જ વારો છે. એને માટે બે પ્રતિસ્પર્ધી છે, એક બીઆરએસ અને બીજો બીજેપી. મુસ્લિમ મત પહેલી વાર વિભાજિત થયા છે. પહેલાં તે કૉન્ગ્રેસનું સમર્થન કરતા, પછી ભારત રાષ્ટ્ર સમિતિનું. હવે એઆઇએમ પણ ભાગ પડાવવા માગે છે. આમ તો હૈદરાબાદ સિવાય બીજે એનું કોઈ જોર નથી, પણ ૧૨.૭ ટકા મુસ્લિમ મતદાર છે એટલે ૨૯ બેઠકો તો મુસ્લિમોને લીધે જીતી જવાય અને બીજી બાવીસમાં અસર પડે એવી ગણતરી છે. કેસીઆર મુસ્લિમ સંરક્ષણની તરફેણ કરે છે અને મૌલાનાઓને પેન્શન બાંધી આપ્યું છે. કૉન્ગ્રેસ પોતાના પરંપરાના મત ગુમાવવા માગતી નથી, પણ બીજેપીએ બે દાવ ખુલ્લા કર્યા કે મુસ્લિમ આરક્ષણ બંધારણની વિરુદ્ધમાં છે એ દૂર કરીશું અને નવો મુખ્ય પ્રધાન ઓબીસીનો બનાવીશું. એઆઇએમ મૂળ તો ભારત વિભાજન દરમ્યાન હૈદરાબાદ નિઝામી અલગ દેશ સ્થાપવા માટે રઝાકારોની સેના ઊભી કરી એનું સંતાન છે. ઓએસી બંધુઓનો ઉદ્દેશ બીજા મોહમ્મદ અલી જિન્નાહની મુસ્લિમ લીગ બનવાનો છે એટલે કે મુસ્લિમોના મસીહા અમે જ છીએ એવું મુસ્લિમોને ઠસાવે છે, પણ મુસ્લિમ પક્ષો અનેક છે. બીઆરએસ ને એઆઇએમ અને યુનાઇટેડ  મુસ્લિમ ફોરમનો ટેકો છે. ૧૧૦ સીટ પર સમર્થન આપ્યું છે. ઉપરાંત તહરિક-એ-મુસ્લિમ શબ્બન  છે, જમિયતે  ઉલેમા છે, જમાતે ઇસ્લામી છે એ બધા પક્ષોએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા. તો જમાતે ઇસ્લામીએ કૉન્ગ્રેસ, બીઆરએસ, સીપીઆઇ, બીએસપી બધાને ટેકો આપ્યો છે.

બીજેપી આ ચૂંટણીમાં મુસ્લિમ તુષ્ટીકરણથી અલગ થઈને હિન્દુ અને ઓબીસી તેમ જ દલિત વર્ગની તરફેણ સાથે મેદાનમાં છે. આદિત્યનાથે હૈદરાબાદમાં ભાષણ કરીને કહ્યું કે હૈદરાબાદનું ભાગ્ય બીજેપી બદલાવશે. યોગેન્દ્ર યાદવનું તો પાક્કું અનુમાન છે કે આ વખતે કૉન્ગ્રેસને બહુમતી મળશે. ઉમેદવારોની છબિ રાબેતા મુજબની છે. કુલ ઉમેદવારોમાં ૪૩૮ કરોડપતિ છે, ૬ જણ પર હત્યાનો મુકદ્દમો ચાલે છે. ૪૯૦ ઉમેદવારો ચૂંટણી પંચના ચોપડે માન્યતા ન મેળવનાર પક્ષોના છે. બીઆરએસના એક કરોડપતિ ઉમેદવાર છે કોમાટીરેડ્ડી રાજગોપાલ રેડ્ડી. તેઓ મુનુગોડે વિસ્તારમાંથી ઊભા છે. તેમની પાસે માત્ર ૩૧૪ કરોડની મિલકત છે. દલિતો તો ગરીબ જ હોય એવું માનવું ઠીક નથી એનું ઉદાહરણ બાલકોંડા વિસ્તારમાંથી ઊભેલા બહુજન સમાજના સુનીલકુમાર મુંથાલિયા છે, તેમની પાસે ૧૮૨ કરોડ છે. ટીઆરએસના ૧૦૭ ઉમેદવાર કરોડપતિ છે, બેશક શિક્ષણમાં દરિદ્ર ઉમેદવારોની સંખ્યા ૩૬૨ની છે. તેઓ સ્કૂલમાં ૧૦મા ધોરણ સુધી માંડ પહોંચ્યા હતા. જે ઓપન યુનિવર્સિટીઓ છે એમાં તેઓ સ્નાતક-અનુસ્નાતક કે ડૉક્ટરેટની ડિગ્રી મેળવવા ખાસ ઉત્સુક નહીં હોય, કેમ કે રાજ્ય ચલાવવામાં બૌદ્ધિકોની જરૂર નથી હોતી એવું ગુજરાતના એક ભૂતપૂર્વ નેતાએ કહ્યું હતું એને અનુસરનાર દેશઆખામાં છે. જોકે વધુ ભણેલા રાજ્યતંત્રમાં વધુ સારું ઉકાળી શકે એવું મનાતું નથી. તેલંગણ ચૂંટણીમાં ૬૦ ઉમેદવારો ડૉક્ટરેટ પ્રાપ્ત છે, એમાંથી કેટલા જીતે છે એ જોવું રસપ્રદ છે.

તેલંગણ અગાઉ આંધ્ર પ્રદેશનો ભાગ હતો. આંધ્ર પ્રદેશે પણ પોતાની રાજ્ય સરકાર માટે આંદોલન કરવું પડ્યું હતું અને રામુલુ નામે નેતા આંદોલનમાં ઉપવાસ દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. પછી આંધ્રમાંથી તેલંગણ અલગ કરવાનું આંદોલન થયું એનું પરિણામ આજનું તેલંગણ છે. કાલે મતદાન અને ત્રીજી ડિસેમ્બરે પરિણામ, દક્ષિણ દુર્ગ કોના હાથમાં જશે કે ત્રિશંકુ સરકાર રચશે એ જોવાનું રહેશે. જો બીજેપી આવે તો પૂર્વે કર્ણાટક પછી હવે દક્ષિણમાં બીજેપી એક રાજ્ય સર કરશે.

telangana hyderabad national news