16 February, 2025 11:57 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી
તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ શુક્રવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી બૅકવર્ડ ક્લાસના નથી, તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી તેમની જાતિને બૅકવર્ડ ક્લાસમાં સામેલ કરી હતી.
કૉન્ગ્રેસના એક કાર્યક્રમમાં બોલતાં રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે ‘હું તમને એક વાત કહેવા માગું છું. વડા પ્રધાન મોદી કહે છે કે તેઓ પછાત જાતિમાંથી આવે છે, પણ તેઓ પછાત જાતિમાંથી આવતા નથી. તેઓ કાનૂની રીતે બૅકવર્ડ ક્લાસમાં સામેલ વર્ગમાંથી આવે છે. ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન બનતા પહેલાં તેમની જાતિ ગુજરાતના ઉચ્ચ વર્ગમાં હતી, પણ મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમણે પોતાની જાતિને બૅકવર્ડ ક્લાસમાં મિલાવી દીધી હતી. નરેન્દ્ર મોદી પછાત જાતિમાં જન્મ્યા નહોતા.’
આ મુદ્દે BJPના અધર બૅકવર્ડ ક્લાસ (OBC) મોર્ચાના અધ્યક્ષ કે. લક્ષ્મણે પલટવાર કરતાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઈને આપેલું નિવેદન સંપૂર્ણ રીતે ખોટું છે. ૧૯૯૪માં ગુજરાતમાં તેમની જાતિને OBCમાં સામેલ કરવામાં આવી હતી અને ૨૦૦૦ પહેલાં કેન્દ્ર સરકારે એને સૂચિમાં સામેલ કરી હતી. રેવંત રેડ્ડી સામે લોકોમાં રોષ છે અને એથી તેઓ લોકોનું ધ્યાન બીજે ભટકાવવા આવાં નિવેદન આપે છે.
BJPના પ્રવક્તા આર. પી. સિંહે કહ્યું હતું કે ‘આવી વિવાદિત ટીપ્પણી કરીને તેઓ ન્યુઝમાં રહેવા માગે છે. અગાઉ તેમણે તેલંગણના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવમાં બિહારી જિન્સ હોવાનું કહીને બિહારના લોકોનું અપમાન કર્યું હતું.’