‘તાઉ-તે વાવાઝોડુ’ નામ કઈ રીતે પડ્યું જાણો છો?

18 May, 2021 05:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મ્યાનમારે ગરોળીના નામ પરથી ચક્રવાતને આપ્યું છે નામ

પ્રતીકાત્મક તસવીર

અરબી સમુદ્રમાં ગત શનિવારે થયેલો દબાવ ચક્રવાતી વાવાઝોડા ‘તાઉ-તે વાવાઝોડા’માં બદલાઈ ગયો. તાઉ-તે વાવાઝોડાએ મહારષ્ટ્ર અને ગુજરાતમાં તેની અસર દેખાડ્યા બાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તરફ વળવાની તૈયારીમાં છે. ત્યારે લોકોના મનમાં એમ પ્રશ્ન થાય છે કે, વાવાઝોડાનું નામ ‘તાઉ-તે વાવાઝોડુ’ કઈ રીતે પડ્યું?

મ્યાનમારે આ ચક્રવાતી વાવાઝોડાને ‘તાઉ-તે’ નામ આપ્યું છે. જેનો અર્થ થાય છે ‘ગેકો’. બર્મીઝમાં જેનો અર્થ થાય છે જોરથી અવાજ કરતી ગરોળી. ભારતીય દરિયાકાંઠે આ વર્ષનું પહેલું ચક્રવાત છે. વિશ્વ હવામાન સંગઠન (ડબ્લ્યુએમઓ)ના નેજા હેઠળ વિશ્વભરમાં ફેલાયેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતને સત્તાવાર રીતે આ નામ આપવામાં આવ્યું છે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત એક અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ટકી શકે છે, તેથી એક સમયે એક કરતાં વધુ ચક્રવાત આવી શકે છે. એટલે આગાહી કરતી વખતે મૂંઝવણ ટાળી શકાય તે માટે ચક્રવાતને તોફાનનું નામ આપવામાં આવે છે. સામાન્ય રીતે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતને નામ પ્રાદેશિક સ્તરના નિયમો અનુસાર નામ આપવામાં આવે છે. હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિકમાં, ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નામ આલ્ફાબેટોકલી સ્ત્રી અને પુરુષોના નામ પ્રમાણે છે.

ઉત્તર હિંદ મહાસાગરના રાષ્ટ્રોએ વર્ષ ૨૦૦૦માં ઉષ્ણકટિબંધીય ચક્રવાતનાં નામકરણ માટે નવી પદ્ધતિનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ નામો મૂળાક્ષરો અને તટસ્થ લિંગ અનુસાર દેશ દ્વારા સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. સામાન્ય નિયમ એવો છે કે, નામ સૂચિ રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન અને હાઇડ્રોલોજિકલ સેવાઓ (એનએમએચએસ) દ્વારા ચોક્કસ ક્ષેત્રના ડબ્લ્યુએમઓ સભ્યો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવે છે અને સંબંધિત ઉષ્ણકટિબંધીય ચક્રવાતને પ્રાદેશિક સંસ્થાઓ દ્વારા તેમના વાર્ષિક અને બે વર્ષના સત્રોમાં મંજૂરી આપવામાં આવે છે.

ડબલ્યુએમઓ/યુનાઇટેડ નેશન્સ આર્થિક અને સામાજિક આયોગ એશિયા અને પેસિફિક (ડબ્લ્યુએમઓ/ઇએસસીએપી) પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ (પીટીસી)માં ૧૩ દેશો સભ્ય છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઇલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે જે ચક્રવાતનું નામ નક્કી કરે છે.

આઠ સભ્યોની પેનલે વર્ષ ૨૦૦૪માં ૬૪ નામોની સૂચિને ફાઈનલ કરી હતી. ગયા વર્ષે ભારતમાં વિનાશક વાવાઝોડા માટે તે યાદીમાં ‘અમ્ફાન’ નામ અંતિમ હતું. ડબ્લ્યુએમઓ/ઇએસસીએપી સમિતિએ વર્ષ ૨૦૧૮માં વધુ પાંચ દેશોને સમાવવા માટે સભ્યોની સૂચિ વિસ્તૃત કરી હતી. ગયા વર્ષે, એક નવી સૂચિ બહાર પાડવામાં આવી હતી જેમાં ચક્રવાતનાં ૧૬૯ નામો છે. જેમાં 13 દેશોના 13 સૂચનોનું સંકલન કરવામાં આવ્યું છે.

national news cyclone tauktae