ઍર ઇન્ડિયાએ ૪૭૦ નહીં, ૮૪૦ પ્લેનનો ઑર્ડર આપ્યો

17 February, 2023 10:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સીએફએમ ઇન્ટરનૅશનલ, રોલ્સ-રૉયસ અને જીઈ ઍરોસ્પેસ સાથે એન્જિનના મેઇન્ટેનન્સ માટે લાંબા સમયના કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યા

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

નવી દિલ્હી : તાતા ગ્રુપના હાથમાં ગયા પછી ઍર ઇન્ડિયા સતત પોતાની પાંખ ફેલાવી રહ્યું છે. આ કંપનીએ રિસન્ટલી અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કરી છે. ઍર ઇન્ડિયાએ ઍરબસ અને બોઇંગ પ્લેનની ખરીદી માટે મેગા ડીલ કરી છે. હવે આ ડીલને લઈને એક અપડેટ સામે આવી છે. ઍર ઇન્ડિયાએ આ ડીલ હેઠળ ઍરબસ અને બોઇંગને ૪૭૦ નહીં, પરંતુ ૮૪૦ પ્લેનનો ઑર્ડર આપ્યો છે. ઍર ઇન્ડિયાના અધિકારીએ જ આ વાતની જાણકારી આપી હતી. ઍર ઇન્ડિયાના ચીફ કમર્શિયલ અને ટ્રાન્સફોર્મેશન ઑફિસર નિપુન અગરવાલે પોતાની લિન્ક્ડ ઇન પ્રોફાઇલ પર આ ડીલ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા બોઇંગ અને ઍરબસ પાસેથી ૪૭૦ પ્લેન ખરીદશે, જેની સાથે જ એમાં ૩૭૦ પ્લેનની ખરીદીનો પણ ઑપ્શન છે. 

નોંધપાત્ર છે કે ૧૪ ફેબ્રુઆરીએ ન્યુઝ આવ્યા હતા કે ઍર ઇન્ડિયા ફ્રાન્સ અને અમેરિકાની કંપની ઍરબસ અને બોઇંગ પાસેથી ૪૭૦ વિમાનની ખરીદી કરશે, જેમાં ૨૫૦ ઍરબસ અને ૨૨૦ બોઇંગ વિમાન સામેલ છે. આ ડીલમાં બીજાં ૩૭૦ વિમાન ખરીદવાનો ઑપ્શન પણ સામેલ છે. 

અગરવાલ અનુસાર આધુનિક એવિયેશન ઇતિહાસમાં કોઈ એક ઍરલાઇન દ્વારા આપવામાં આવેલો વિમાન માટેનો આ સૌથી મોટો ઑર્ડર છે. આ ડીલમાં ઍરબસને આપવામાં આવેલા ઓર્ડરમાં ૪૦ A350-900/1000 અને ૨૧૦ A320/321 Neo/XLR ઍરક્રાફ્ટ સામેલ છે. બોઇંગને આપવામાં આવેલા ઑર્ડરમાં ૧૯૦ 737-Max, ૨૦ 787 અને ૧૦ 777 સામેલ છે. 

તેમણે વધુ જણાવ્યું હતું કે સીએફએમ ઇન્ટરનૅશનલ, રોલ્સ-રૉયસ અને જીઈ ઍરોસ્પેસની સાથે એન્જિનના મેઇન્ટેનન્સ માટે લાંબા સમયના કૉન્ટ્રૅક્ટ પણ કરવામાં આવ્યા છે. છેલ્લાં ૧૭થી વધુ વર્ષોમાં પહેલી વખત ઍર ઇન્ડિયાએ વિમાનો ખરીદવા માટે ઑર્ડર આપ્યો છે. પહેલા A350 પ્લેનને આ વર્ષના અંત સુધીમાં ઍરલાઇનને ડિલિવર કરવામાં આવશે. 

national news tata air india