21 December, 2022 10:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
નવી દિલ્હી : તામિલનાડુના ૨૮ લોકોને નવી દિલ્હીનાં અલગ-અલગ રેલવે-સ્ટેશનો પર એક મહિના સુધી સતત આઠ કલાક આવતી અને જતી ટ્રેન તેમ જ એના ડબ્બા ગણવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ એક નોકરી કૌભાંડનો ભોગ બની રહ્યા હોવાની તેમને ખબર નહોતી. આ તમામને રેલવેમાં ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર (ટીટીઈ), ટ્રાફિક અસિસ્ટન્ટ અને ક્લર્ક જેવી નોકરી અપાવવાના વાયદાઓ કરી તેમની પાસેથી બે લાખ રૂપિયાથી માંડીને ૨૪ લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું દિલ્હી પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સ વિન્ગમાં કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદી ભૂતપૂર્વ સૈનિક સુબ્બુસ્વામીએ કહ્યું હતું કે ‘આ ટ્રેઇનિંગ જૂન અને જુલાઈમાં લેવાઈ હતી. તેમ જ ઠગોએ કુલ ૨.૬૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તમામે વિકાસ રાણાને રકમ આપી હતી, જે દિલ્હીના નૉર્ધર્ન રેલવે ઑફિસમાં ડેપ્યુટી ડિરેક્ટર હોવાનું જણાવતો હતો.’
છેતરપિંડીનો ભોગ બનેલા મોટા ભાગનો લોકોએ એન્જિનિયરિંગ અને ટેક્નિકલ એજ્યુકેશન લીધું હતું. દરેકની પોસ્ટ તો અલગ-અલગ હતી, પણ ટ્રેઇનિંગ એક જ પ્રકારની હતી. એ હતી ટ્રેન ગણવાની.
ફરિયાદીઓએ શિવરામન નામક કોઇમ્બતુરમાં રહેતા એક જણનું નામ આપ્યું હતું જેણે પોતે સંસદસભ્યો અને પ્રધાનો સાથે સારી ઓળખ હોવાનો દાવો કરતાં નાણાંની બદલીમાં નોકરીની ઑફર કરી હતી. સુબ્બુસ્વામી શરૂઆતમાં ત્રણ જણને લઈને દિલ્હી ગયા હતા, પરંતુ તેમની નોકરી અને ટ્રેઇનિંગના સમાચાર મદુરાઈની આસપાસનાં ગામોમાં ફેલાતાં ૨૫થી વધુ ઉમેદવારો જોડાયા હતા. વળી તમામને રેલવે સેન્ટ્રલ હૉસ્પિટલ અને કૉનોટ પ્લેસ અને નૉર્ધર્ન રેલવેની શંકર માર્કેટમાં આવેલી ઑફિસ નજીક બોલાવતા હતા. છેતરપિંડીનો ભોગ બનનાર એક યુવકે કહ્યું હતું કે રૂપિયા માટે કે અન્ય કોઈ કામ માટે તેમને રેલવેની કોઈ પણ બિલ્ડિંગની અંદર લઈ જવામાં આવતા નહોતા. તેમના તાલીમ માટેના ઑર્ડર, આઇડેન્ટિટી કાર્ડ, ટ્રેઇનિંગ પૂરી થયાનું સર્ટિફિકેટ, અપૉઇન્ટમેન્ટ લેટર તપાસ બોગસ હતાં; જેના વિશે તેમને બહુ જ મોડેથી ખબર પડી હતી. આ મામલે પોલીસ બહુ જ ઊંડી તપાસ કરી રહી છે. રેલવે દ્વારા વારંવાર આવાં કૌભાંડો સામે ચેતવણી આપવામાં આવે છે તેમ છતાં સામાન્ય લોકો છેતરાતા હોય છે.