તામિલનાડુનું પલ્કાલઈપેરુર સૌથી શુદ્ધ હવા ધરાવતું શહેર, પ્રદૂષિત શહેરોમાં દિલ્હી મોખરે

26 October, 2024 01:43 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સૌથી ખરાબ ક્વૉલિટીની હવા ધરાવતાં ૧૦ ટોચનાં શહેરોમાં દિલ્હી ૩૦૬ના AQI સાથે પહેલા ક્રમે છે

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)ના મુદ્દે ભારતનાં ટોચનાં ૧૦ સૌથી પ્રદૂષિત શહેર અને સૌથી શુદ્ધ હવા ધરાવતાં ૧૦ શહેરની સૂચિ જાહેર કરી છે. આ ડેટા ૨૪ ઑક્ટોબરે એકઠો કરીને એની મુલવણી કરવામાં આવી છે.

તામિલનાડુનું પલ્કાલઈપેરુર સૌથી શુદ્ધ હવા ધરાવતું શહેર છે અને ત્યાંનો AQI ૨૦ છે. શુદ્ધ હવા ધરાવતાં બીજાં શહેરોમાં બાલાસોર (૨૩), આઇઝૉલ અને રામનાથપુરમ (૨૫), ચિકબલ્લાપુર (૨૮), મદીકેરી અને મદુરાઈ (૨૯), ચિકમંગલુરુ, ગૅન્ગટૉક અને નાગાંવ (૩૦)નો સમાવેશ છે.

સૌથી ખરાબ ક્વૉલિટીની હવા ધરાવતાં ૧૦ ટોચનાં શહેરોમાં દિલ્હી ૩૦૬ના AQI સાથે પહેલા ક્રમે છે. શ્વાસમાં લેવા માટે આ સૌથી ખરાબ હવા છે અને એમાં લાંબો સમય રહેવાથી શ્વસનતંત્રના રોગ થવાની શક્યતા રહે છે. ખરાબ હવા ધરાવતાં બીજાં શહેરોમાં મેરઠ (૨૯૩), ગાઝિયાબાદ (૨૭૨), ભિવાની (૨૮૮), હાપુડ અને જીંદ (૨૬૧), ચરખી દાદરી અને ઝુંઝનુ (૨૬૦), બાગપત (૨૫૭) અને હનુમાનગઢ (૨૫૫)નો સમાવેશ છે.

કેવા AQIની કેવી અસર?

-૫૦ સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.

૫૧થી ૧૦૦ સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.

૧૦૧થી ૨૦૦ થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.

૨૦૧થી ૩૦૦ ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.

૩૦૧થી ૪૦૦ બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી
થઈ શકે.

૪૦૧થી ૫૦૦ ગંભીર. સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે.

national news india delhi tamil nadu air pollution