Tamil Nadu News: ચોરી કરીને ચોર મૂકી ગયો માફીપત્ર, લખ્યું- એક જ મહિનામાં આપી દઇશ

04 July, 2024 02:32 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent

Tamil Nadu News: સેલ્વિન અને તેની પત્ની કે જેઓ બંને નિવૃત્ત શિક્ષકો છે. તેઓ 17 જૂનના રોજ ચેન્નાઈમાં જ રહેતા તેમના પુત્રને મળવા ગયા હતા

ચોરી માટે વપરાયેલ પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તાજેતરમાં જ તમિલનાડુમાં એક એવી ઘટના (Tamil Nadu News) બની હતી કે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે અહીંના એક રિટાયર્ડ શિક્ષકના ઘરે ચોરી થઈ હતી, પણ મજાની વાત તો એ છે કે આ ચોરે એક જ મહિનામાં ચોરેલી વસ્તુઓ પરત કરવાનું વચન આપતો એક માફી પત્ર પણ મૂકીને ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારી ઘટના મેગનાપુરમના સથાનકુલમ રોડ પર થઈ હતી. આ ચોંકાવનારી ઘટના બની ત્યારે સેલ્વિન અને તેની પત્ની કે જેઓ બંને નિવૃત્ત શિક્ષકો છે. તેઓ 17 જૂનના રોજ ચેન્નાઈમાં જ રહેતા તેમના પુત્રને મળવા ગયા હતા. આ જ બાબતનો લાભ ઉઠાવીને ચોરે તેમના ઘરમાં ચોરીને અંજામ આપવાનું નક્કી કર્યું હતું. 

જ્યારે આ દંપતી ઘર લૉક કરીને પોતાના પુત્રને મળવા ગયા ત્યારે તેઓએ ઘર સાફ કરવા માટે એક હેલ્પરને પણ રાખ્યો હતો. જ્યારે 26 જૂને આ હેલ્પર ઘર સાફ કરવા માટે આવ્યો ત્યારે તેણે દરવાજો ખુલ્લો જોતાં જ જ આભા બનીને રહી ગયો હતો. અને તેને દાળમાં કાળું હોવાનો ખ્યાલ (Tamil Nadu News) આવી ગયો હતો.

શેની ચોરી કરી ફરાર થયો ચોર?

દંપતિની ગેરહાજરીમાં થયેલ ચોરી (Tamil Nadu News)માં ચોર કુલ 60,000ની કિંમતના સોનાના દાગીના અને ચાંદીની પાયલ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે હેલ્પર દંપતીના ઘરે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે ઘરમાંથી 60,000 રૂપિયા, 12 ગ્રામ સોનાના દાગીના અને ચાંદીની પાયલની ચોરી થઈ છે. એટલે તેણે તરત જ આ વિષે દંપતીને જાણ કરી હતી.

ભાઈ, ચોરી જ શું કામ કરી?

જ્યારે પોલીસે આ દંપતીના ઘરની તપાસ શરૂ કરી હતી ત્યારે તેમને ચોર દ્વારા છોડવામાં આવેલ એક માફી પત્ર મળી આવ્યો હતો. આ માફીપત્રમાં ચોરે ચોરી બદલ માફી માંગી હતી અને એક જ મહિનામાં ચોરાયેલો માલ પરત આપવાનું વચન આપ્યું હતું.

ચોરે જે માફી પત્ર મૂક્યો હતો તેમાં લખવામાં આવ્યું હતું કે "મને માફ કરશો. હું એક જ મહિનામાં ચોરેલો માલ પરત કરી દઈશ. મારા ઘરમાં કોઈ બીમાર હોવાથી હું આવું કરી રહ્યો છું."

પોલીસ દ્વારા તપાસ પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે 

આ ઘટના (Tamil Nadu News) બાદ મેગનાપુરમ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સંદર્ભે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે કેરળમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યારે ત્રણ વર્ષના બાળક પાસેથી સોનાનો હાર ચોરનાર ચોરે માફી પત્ર સાથે ચોરીના માલને વેચ્યા બાદ મળેલા પૈસા પરત કર્યા હતા. હવે ફરી એક આવી ઘટના બની છે ત્યારે સૌનું ધ્યાન ખેંચાયું છે.

national news tamil nadu Crime News crime branch india chennai