01 October, 2023 09:08 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે (1 ઑક્ટોબર) સ્વચ્છતા અભિયાન (Swachh Bharat)નો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમ દાન કરતાં જોઈ શકાય છે. વીડિયોમાં હરિયાણાના અંકિત બૈયાનપુરિયા (Ankit Baiyanpuria) પણ તેમની સાથે છે, જેમણે `75 દિવસની હાર્ડ ચેલેન્જ` પૂર્ણ કરી છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. બંને લોકો સફાઈ કરતાં અને ઝાડું મારતાં જોઈ શકાય છે.
જ્યારે પીએમ મોદી 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે તે વર્ષે 2 ઑક્ટોબરે ગાંધી જયંતિના અવસરે ‘સ્વચ્છ ભારત અભિયાન’ની શરૂઆત કરી હતી. આ ઝુંબેશ હેઠળ લોકોને તેમની આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ તેમની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવા ઉપરાંત પર્યાવરણની પણ સુરક્ષા કરે. દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
વડાપ્રધાને સ્વચ્છ અને સ્વસ્થ ભારતની વાત કરી
પીએમ મોદીએ વીડિયો શૅર કરતાં લખ્યું કે, “આજે જ્યારે દેશ સ્વચ્છતા પર ધ્યાન આપી રહ્યો છે ત્યારે આ અવસર પર મેં અને અંકિત બૈયાનપુરિયાએ પણ આવું જ કર્યું છે. સ્વચ્છતા ઉપરાંત, અમે તેમાં ફિટનેસ અને સુખાકારીનો પણ સમાવેશ કર્યો છે. આ બધું સ્વચ્છ અને સ્વસ્થ ભારતની ભાવના વિશે છે!” વીડિયોમાં પીએમ મોદીને રૂમાલમાં લપેટીને પણ જોઈ શકાય છે. X પર શૅર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.
વીડિયોમાં શું છે?
વીડિયોની શરૂઆતમાં પીએમ મોદી કહે છે, “રામ-રામ સારાયાને.” પછી તે અંકિતની તબિયત વિશે પૂછે છે અને કહે છે કે, “આજે અમે તમારી પાસેથી કંઈક શીખીશું.” વીડિયોમાં બંનેને સફાઈ કરતાં જોઈ શકાય છે. PM મોદીએ અંકિતને પૂછ્યું કે, “તમે ફિટનેસ માટે ખૂબ મહેનત કરો છો. આ સ્વચ્છતા અભિયાન તેમાં કેવી રીતે મદદ કરશે?” આના જવાબમાં અંકિત કહે છે કે, “પર્યાવરણને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. પર્યાવરણ સ્વચ્છ રહેશે તો જ આપણે સ્વસ્થ રહીશું.”
પીએમ મોદીએ અંકિતને પૂછ્યું કે, “સોનીપતના ગામડાઓમાં સ્વચ્છતાને લઈને લોકોનું વલણ શું છે?” તેના પર અંકિત કહે છે કે, “હવે લોકો સ્વચ્છતા પર ધ્યાન આપવા લાગ્યા છે.” PM અંકિતને તેની શારીરિક પ્રવૃત્તિ વિશે પણ પ્રશ્નો પૂછે છે. વડાપ્રધાન મોદી પૂછે છે કે, “તમે તમારી શારીરિક પ્રવૃત્તિને કેટલો સમય આપો છો.” આના જવાબમાં અંકિતે કહ્યું કે તે દિવસમાં ચારથી પાંચ કલાક કસરત કરે છે. તેમણે પીએમને કહ્યું કે તેઓ પણ તેમનાથી પ્રેરિત છે.
તેના પર પીએમ મોદીએ કહ્યું કે તેઓ એક્સાઈઝ કરતા અનુશાસન પર વધુ ધ્યાન આપે છે, પરંતુ આ દિવસોમાં તે બે બાબતોમાં શિસ્ત લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આમાંનો પહેલો છે ખાવાનો સમય અને બીજો સૂવાનો સમય. આના પર અંકિત કહે છે કે, “આખા દેશને સૂવા માટે તમારે જાગતા રહેવું પડશે.” પીએમ મોદીએ અંકિતને કહ્યું કે, “તમે બતાવ્યું છે કે સોશિયલ મીડિયાનો સકારાત્મક રીતે ઉપયોગ કરી શકાય છે.” વીડિયોમાં બંને સેલ્ફી લેતા જોવા મળે છે.