Sushil Kumar Modi Death: ૧૯ મહિનાની જેલ, ત્રણ વાર મુખ્યપ્રધાન, અનેક રેકોર્ડ છે બીજેપીના નેતાને નામ

14 May, 2024 09:21 AM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

Sushil Kumar Modi Death: ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીનું સોમવારે દુઃખદ નિધન

ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party – BJP) ના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi) નું સોમવારે ૧૩ મેના રોજ દિલ્હીમાં નિધન થયું હતું. ૭૨ વર્ષના સુશીલ મોદી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સુશીલ કુમાર મોદીના નિધન (Sushil Kumar Modi Death) થી સમગ્ર દેશમાં શોકની લહેર છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar), લાલુ યાદવ (Lalu Yadav) અને પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. રાજકીય જગતનમાં નામના મેળવનાર સુશીલ કુમાર મોદીની રાજકીય સફર પર એક નજર કરવા જેવી છે.

પટના યુનિવર્સિટીમાંથી રાજકારણની શરૂઆત

સુશીલ કુમાર મોદીએ પોતાની રાજકીય સફર પટના યુનિવર્સિટી (Patna University) માં વિદ્યાર્થી આંદોલનથી શરૂ કરી હતી. તેમણે પટના (Patna) ની સાયન્સ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો. તેમના પ્રારંભિક શિક્ષણ વિશે વાત કરીએ તો, તેમણે પટનાની સેન્ટ માઈકલ સ્કૂલ (St. Michael`s School) માંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે પટના યુનિવર્સિટીને પૂર્વનું ઓક્સફર્ડ (Oxford of the East) કહેવામાં આવતું હતું.

ત્રણ વખત ધારાસભ્ય ચૂંટાયા

સુશીલ કુમાર મોદી ત્રણ વખત બિહાર વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ પ્રથમ વખત ૧૯૯૦માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ ફરી ૧૯૯૫માં અને પછી ૨૦૦૦માં ચૂંટાયા હતા. તેઓ ૨૦૦૪માં ભાગલપુરથી પહેલીવાર લોકસભામાં ગયા હતા. ત્યારથી તેઓ બિહાર વિધાન પરિષદના સતત સભ્ય રહ્યા છે. વર્ષ ૨૦૨૦માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. સુશીલ મોદી દેશના તે નેતાઓમાં સામેલ છે જે ચારેય ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે.

વિપક્ષના નેતા તરીકે પણ કામ કર્યું

સુશીલ કુમાર મોદી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. સુશીલ મોદી ત્રણ વખત બિહારના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે નાણા સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારીઓ સંભાળી છે. તેઓ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

જેપી આંદોલનમાં મહત્વની ભૂમિકા

સુશીલ મોદીએ વર્ષ ૧૯૭૪માં જેપી આંદોલન દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે વિદ્યાર્થીકાળથી જ રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ વર્ષ ૧૯૭૩થી વર્ષ ૧૯૭૭ સુધી પટના યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (Patna University Students Union) ના મહાસચિવ હતા. સુશીલ મોદીએ વર્ષ ૧૯૯૦માં મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશ કર્યો અને `પટના સેન્ટ્રલ` વિધાનસભા (હવે કુમ્હરાર વિધાનસભા મતવિસ્તાર) થી ચૂંટણી લડી અને જીતી ગયા.

૧૯ મહિના જેલમાં રહ્યા

સુશીલ કુમાર મોદીને તેમની રાજકીય કારકિર્દીમાં જેલ પણ જવું પડ્યું હતું. જેપી આંદોલન અને ઈમરજન્સી દરમિયાન તેમની પાંચ વખત ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૧૯૭૪માં વિદ્યાર્થી આંદોલન દરમિયાન એક વખત તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરજન્સી દરમિયાન ધરપકડ થયા બાદ તેઓ ૧૯ મહિના જેલમાં રહ્યા હતા.

રામજન્મભૂમિ આંદોલનમાં ૧૦ દિવસ જેલમાં

સુશીલ મોદી ઈમરજન્સી બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજ્ય સચિવ બન્યા હતા. સુશીલ કુમાર મોદીએ એબીવીપીમાં ઘણી મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ સિવાય જેલમાં રોકાણ દરમિયાન તેમને બાંકીપુર, ફુલવારી, બક્સર, હજારીબાગ, દરભંગા, ભાગલપુર જેલ અને પીએમસીએચના કેદી વોર્ડમાં પણ રાખવામાં આવ્યા હતા. રામજન્મભૂમિ આંદોલન દરમિયાન તેમને દસ દિવસ જેલમાં પણ જવું પડ્યું હતું.

bharatiya janata party bihar indian politics political news national news