23 August, 2024 08:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ, સુરેશ ગોપી
કેન્દ્રમાં પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન સુરેશ ગોપીએ તેમની કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ સાથે થયેલી વાતચીત જાહેર કરી દેતાં જાતજાતની અટકળો વહેતી થઈ છે. કેરલાના થ્રિસુરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના એકમાત્ર સંસદસભ્યએ તિરુવનંતપુરમમાં કેરલા ફિલ્મ ચેમ્બર ઑફ કૉમર્સની એક ઇવેન્ટમાં કહ્યું કે ‘ફિલ્મ મારું પૅશન છે. જો મારી પાસે એક પણ ફિલ્મ નહીં હોય તો હું મરી જઈશ. મેં ‘ઓટ્ટક્કોમ્બન’ ફિલ્મમાં કામ કરવા માટે પરવાનગી માગી છે, પણ મને એ મળી નથી છતાં હું છઠ્ઠી સપ્ટેમ્બરથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવાનો છું.’
ત્યાર બાદ તેમણે ફિલ્મો કરવા વિશે અમિત શાહ સાથે થયેલી વાત ત્યાં હાજર લોકોને કહી હતી. તેમણે કહ્યું કે ‘મને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી કેટલી ફિલ્મ પેન્ડિંગ છે ત્યારે મેં કહ્યું કે ૨૦થી ૨૨ ફિલ્મનું હું પ્રૉમિસ આપી ચૂક્યો છું. એ સાંભળીને તેમણે એ પેપર ફેંકી દીધું હતું. હું હંમેશાં મારા નેતાની વાત માનીશ, પણ ફિલ્મ મારું પૅશન છે, એના વગર હું મરી જઈશ.’ જૂન મહિનામાં પ્રધાનમંડળની રચના થયા બાદ સુરેશ ગોપીએ કહ્યું હતું કે ‘મારે થ્રિસુરના સંસદસભ્ય તરીકે કામ કરવું છે. મેં પાર્ટીને કહી દીધું છે કે મારે મિનિસ્ટર તરીકે કામ નથી કરવું. મને લાગે છે કે બહુ જલદી મને આ જવાબદારીમાંથી મુક્તિ મળશે.’
ગૃહપ્રધાને મને હજી કેટલી ફિલ્મ પેન્ડિંગ છે એવું પૂછ્યું તો મેં તેમને કહ્યું કે ૨૦-૨૨ ફિલ્મોનું મારું કમિટમેન્ટ છે. મારી આ વાત સાંભળીને તેમણે પેપર ફેંકી દીધું હતું - સુરેશ ગોપી