સુરત દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન મેળવશે, કેન્દ્રીય પ્રધાને એની સૂરતની ઝલક આપી

11 February, 2022 09:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય રેલવેપ્રધાન દર્શના જરદોષે ગઈ કાલે આ રેલવે-સ્ટેશનનું ગ્રાફિકલ ઇલસ્ટ્રેશન ટ્વીટ કર્યું હતું

સુરત બુલેટ ટ્રેન સ્ટેશન

સુરતને એનું પોતાનું શાનદાર બુલેટ ટ્રેન સ્ટેશન મળશે. રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય રેલવેપ્રધાન દર્શના જરદોષે ગઈ કાલે આ રેલવે-સ્ટેશનનું ગ્રાફિકલ ઇલસ્ટ્રેશન ટ્વીટ કર્યું હતું, જેને 
ડિસેમ્બર ૨૦૨૪ સુધી કમ્પ્લીટ કરવાનું આયોજન છે.

મુંબઈ-અમદાવાદ રૂટ પર તૈયાર થનારું આ સૌપ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન રહેશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ દેશનો પહેલો બુલેટ ટ્રેન રૂટ હશે. નૅશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે આ પ્રોજેક્ટના બાંધકામ માટે જવાબદારી સ્વીકારી છે.  ૫૦૮.૧૭ કિલોમીટરના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી ૧૫૫.૭૬ કિલોમીટર મહારાષ્ટ્રમાં, ૩૮૪.૦૪ કિલોમીટર ગુજરાતમાં અને ૪.૩ કિલોમીટર દાદરા-નગર હવેલીમાં છે.

સુરત સિવાય બીજાં ત્રણ સ્ટેશન - વાપી, બીલીમોરા અને ભરૂચ માટે પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ તમામ ચાર સ્ટેશન્સ ડિસેમ્બર ૨૦૨૪ સુધી તૈયાર થઈ જશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મુંબઈમાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, થાણે, વિરાર, બોઇસર, વડોદરા, અમદાવાદ અને સાબરમતીમાં પણ સ્ટેશન હશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ૧ લાખ કરોડ રૂપિયાથી 
વધુ છે.

national news mumbai ahmedabad surat