ટ્રૅજેડીઃ સુરતના કેમિકલ પ્લાન્ટની આગમાં થયાં ૭ કર્મચારીઓનાં મૃત્યુ

01 December, 2023 12:54 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કંપનીએ મૃતકોના પરિવારજનોને ૫૦-૫૦ લાખની સહાય જાહેર કરી : એથર ઇન્ડસ્ટ્રીઝમાં થઈ હતી આ ઘટના

હાદસા ની તસવીર

અમદાવાદ : મંગળવારે મોડી રાતે સુરતના સચિનમાં કેમિકલ બનાવતી એથર ઇન્ડસ્ટ્રીઝની સ્ટોરેજ ટૅન્કમાં બ્લાસ્ટ થયા બાદ લાગેલી આગમાં ગઈ કાલે ૭ કર્મચારીઓની બળીને 
ભડથું થઈ ગયેલી લાશ મળી હતી. ગઈ કાલે કંપનીએ મૃતકોના પરિવારજનોને ૫૦-૫૦ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. એથર ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ સ્ટોરેજ ટૅન્કમાંથી કેમિકલ્સ લીક થયા બાદ ટૅન્કમાં વિસ્ફોટ થયો હતો. એને પગલે કંપનીમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ૨૪થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. ગઈ કાલે પ્લાન્ટમાં હાથ ધરાયેલી તપાસ દરમ્યાન પ્લાન્ટમાંથી ૭ કર્મચારીઓના બળી ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા.દરમ્યાન કંપનીએ મરનાર ૭ કામદારોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમને મદદ કરવા સહાય જાહેર કરી હતી, જેમાં મૃત્યુ પામનાર કર્મચારીઓના પરિવારજનોને ૫૦-૫૦ લાખ રૂપિયા વળતર અપાશે. મરનારના પરિવારના સભ્યોને ઇચ્છા હશે તો તેમનો નોકરીમાં પણ સમાવેશ કરવામાં આવશે. તેમનાં બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમના પરિવારજનોને બધા હક્ક સહિત વળતર આપવા કંપની પ્રતિબદ્ધ છે. ઈજા થવાથી કાયમી અપંગતા આવે અને કામદાર કામ કરવા સક્ષમ ન રહે એવા કામદારોને ૨૫ લાખ રૂપિયા તેમ જ સારવારનો તમામ ખર્ચ આપવામાં આવશે.

surat ahmedabad national news