નોટબંધીનો વટહુકમ જ ગેરકાયદે હતો : સુપ્રીમ કોર્ટના જજ

03 January, 2023 10:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૦૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની તમામ કરન્સી નોટ્સ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ નહોતી કરવી જોઈતી

૨૦૧૬માં નોટબંધી બાદ કલકત્તામાં એક એટીએમની બહાર કરન્સી નોટ જમા કરાવવા માટે કતારમાં ઊભા રહેલા લોકો

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ બીવી નાગરત્નાએ બીજા ચાર જજથી અસહમત થતાં અલગ જજમેન્ટ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નોટબંધી લાદવા માટેનો કેન્દ્ર સરકારનો વટહુકમ ગેરકાયદે હતો અને ૧૦૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની તમામ કરન્સી નોટ્સ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ નહોતી કરવી જોઈતી.

તેઓ વટહુકમને પડકારતા અરજીકર્તાઓની એ દલીલથી સંમત થયા હતા કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ઍક્ટની કલમ ૨૬ મુજબ આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડે જ સ્વતંત્ર રીતે નોટબંધીની ભલામણ કરવી જોઈતી હતી અને કેન્દ્ર સરકારની ભલામણ મારફત એનો અમલ નહોતો થવો જોઈતો. આરબીઆઇએ પોતાની સ્વતંત્ર વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો નથી.

જસ્ટિસ નાગરત્નાએ વધુમાં કહ્યું હતું કે ૫૦૦ રૂપિયા અને ૧૦૦૦ રૂપિયાની કરન્સી નોટની સમગ્ર સિરીઝને બંધ કરવાની પ્રક્રિયા સંસદમાં ખરડો પસાર કરીને થવી જોઈતી હતી, વટહુકમ બહાર પાડીને નહીં, કેમ કે આવો ​મહત્ત્વનો નિર્ણય લેવાની પ્રક્રિયામાંથી સંસદને બાકાત રાખી શકાય નહીં.

જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે મારો વિચારપૂર્વકનો અભિપ્રાય છે કે આઠમી નવેમ્બરનો વટહુકમ ગેરકાયદે હતો. જોકે આ વાત ૨૦૧૬ની છે, ભૂતકાળમાં જઈને સ્થિતિને સુધારી ન શકાય. 

અદાલતે સ્પષ્ટ કર્યું  કે હવે જૂની નોટ્સને એક્સચેન્જ ન કરી શકાય

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જે કરન્સી નોટ્સને ચલણમાંથી બંધ કરવામાં આવી હતી એના એક્સચેન્જ માટે બાવન દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો એ ગેરવાજબી નથી અને હવે નોટ્સ એક્સચેન્જ કરવા માટેનો સમય ન આપી શકાય. અદાલતે જણાવ્યું હતું કે ૧૯૭૮માં નોટબંધી લાદવામાં આવી હતી ત્યારે ચલણમાંથી બંધ કરવામાં આવેલી બૅન્ક-નોટ્સના એક્સચેન્જ માટે ત્રણ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો. જેને બીજા પાંચ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. 

national news demonetisation supreme court