17 May, 2023 12:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે ગુજરાતના અનેક જુડિશ્યલ ઑફિસર્સની એક અરજી પર જુલાઈમાં સુનાવણી કરવા માટે ગઈ કાલે સંમતિ દાખવી હતી. અદાલતે આ જુડિશ્યલ ઑફિસર્સના પ્રમોશન પર સ્ટે મૂક્યો હતો.
જસ્ટિસ એમ. આર. શાહ (હવે નિવૃત્ત)ના વડપણ હેઠળની બેન્ચે ૧૨ મેએ ગુજરાતના ૬૮ લોઅર જુડિશ્યલ ઑફિસર્સના પ્રમોશન પર સ્ટે મૂક્યો હતો, જેમાં બદનક્ષીના કેસમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષી ગણાવતો ચુકાદો આપનારા સુરતના ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ વર્મા પણ સામેલ છે.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચુડ અને જસ્ટિસિસ પી.એસ. નરસિંહા અને જે.બી. પારડીવાલાની બેન્ચે જુડિશ્યલ ઑફિસર્સ તરફથી હાજર સિનિયર ઍડ્વોકેટ મીનાક્ષી અરોરાની એ રજૂઆતને ધ્યાનમાં લીધી હતી કે ૧૨ મેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતાં ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આ જુડિશ્યલ ઑફિસર્સને ફરી તેમની ઓરિજિનલ લોઅર કૅડરમાં મોકલવામાં આવ્યા હતા.