10 May, 2023 11:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
`ધ કેરલ સ્ટોરી’
ભારતમાં સુદીપ્તો સેનની ‘ધ કેરલ સ્ટોરી’ને લઈને ડ્રામા થઈ રહ્યો છે. જુદાં-જુદાં રાજ્યોમાં જુદાં-જુદાં રીઍક્શન્સ આવ્યાં છે. દરમ્યાન સુપ્રીમ કોર્ટ ‘ધ કેરલ સ્ટોરી’ની રિલીઝ પર સ્ટે મૂકવાની માગણીને ફગાવતાં કેરલા હાઈ કોર્ટના આદેશની વિરુદ્ધ એક અરજી પર ૧૫મી મેના રોજ સુનાવણી હાથ ધરશે.
કેરલા
‘ધ કેરલ સ્ટોરી’માં કેરલાની વાત હોવાથી સ્વાભાવિક રીતે આ ફિલ્મની આ રાજ્યમાં ખૂબ ચર્ચા થઈ હતી. મુખ્ય પ્રધાન પિનારાયી વિજયને એને સંઘ પરિવારની ‘જુઠાણાની ફૅક્ટરી’ની પ્રોડક્ટ ગણાવી હતી. આ ફિલ્મને રાજ્ય સરકાર અને ચોક્કસ પાર્ટીઓ તરફથી નેગેટિવ રિસ્પૉન્સ મળ્યો હોવાને કારણે આ રાજ્યમાં ખૂબ જ ઓછા થિયેટર્સમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે.
ઉત્તર પ્રદેશ
યોગી આદિત્યનાથની સરકારે ગઈ કાલે જાહેર કર્યું હતું કે આ ફિલ્મને ઉત્તર પ્રદેશમાં ટૅક્સ-ફ્રી કરાશે. મુખ્ય પ્રધાન આદિત્યનાથ એક સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં તેમની કૅબિનેટના સભ્યોની સાથે આ ફિલ્મ જુએ એવી શક્યતા છે.
મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશ સરકારે પણ આ ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરી હતી. આ નિર્ણયની જાહેરાત કરતાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ ફિલ્મ લવ જેહાદ, ધર્મ-પરિવર્તન અને આતંકવાદના કાવતરાનો પર્દાફાશ કરે છે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જણાવ્યું હતું કે આ રાજ્યમાં આ ફિલ્મ પર પ્રતિબંધ રહેશે. જેના પછી કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે શા માટે તૃણમૂલ કૉન્ગ્રેસના ચીફને નિર્દોષ છોકરીઓ પ્રત્યે નહીં, પરંતુ આતંકવાદી સંગઠનો પ્રત્યે સહાનુભૂતિ છે એ સમજની બહારની બાબત છે.
તામિલનાડુ
તામિલનાડુમાં પૉલિટિકલ પાર્ટીઓના વિરોધના કારણે તામિલનાડુ મલ્ટિપ્લેક્સ અસોસિએશને જાહેર કર્યું છે કે તેઓ રાજ્યમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ નહીં કરે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડના પ્રધાન સતપાલ મહારાજે ગઈ કાલે કહ્યું હતું કે આ રાજ્યમાં ‘ધ કેરલા સ્ટોરી’ ટૅક્સ-ફ્રી રહેશે.