Supreme Court: મથુરા શાહી ઈદગાહ મસ્જિદમાં સર્વે પર લાગ્યો સ્ટે, કોર્ટે કહ્યું કે...

16 January, 2024 12:35 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Supreme Court: મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર કોર્ટનો આજે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે.

કોર્ટના ચુકાદાની પ્રતીકાત્મક તસવીર

મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો આજે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કોર્ટે મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે કોર્ટ કમિશનર નીમવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે. 

જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે કોર્ટે કેસની સુનાવણી ચાલુ રાખવી જોઈએ. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે શાહી ઈદગાહ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટના 14 ડિસેમ્બરના આદેશ પર સ્ટે મૂક્યો હતો.

સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ કેસ મુદ્દે જણાવ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટે સર્વગ્રાહી નિર્દેશોની માંગ કરતી અસ્પષ્ટ અરજી પર કાર્યવાહી કરી છે. શાહી ઈદગાહ કમિટીએ તમામ કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે અરજીઓની જાળવણી સામે મસ્જિદ પક્ષની અરજી પર સુનાવણી કરવી જોઈએ. હાઈકોર્ટે હજી સર્વે કરવાનો કોઈ જ પ્રકારનો આદેશ આપ્યો ન હતો.

સુનાવણી તો ચાલુ જ રહેશે

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું છે કે હાઈકોર્ટે આ કેસની સુનાવણી  ચાલુ રાખવી જોઈએ. આ સાથે જ તેવી પણ માહિતી સામે આવી છે કે આગામી સુનાવણી 23 જાન્યુઆરીએ કરવામાં આવશે. કોર્ટના આદેશથી હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે શાહી ઈદગાહનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

ક્યારે હિન્દુ પક્ષ અને ઈદગાહ કમિટી વચ્ચે સમજૂતી થઈ હતી?

વર્ષ 1935માં હાઈકોર્ટ દ્વારા બનારસના રાજાને 13.37 એકર વિવાદિત જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા 1951માં સંપાદિત કરવામાં આવી હતી. ત્યારબાદ 1968માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ સમિતિ વચ્ચે સમજૂતી થઈ હતી. શાહી ઈદગાહની જમીન હિંદુ પક્ષને આપવાની માગણી કરતી અરજી પણ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં 1968માં થયેલા કરારને રદ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

બે પક્ષો તરફથી કયો દાવો કરવામાં આવી રહ્યો છે?

તમને જણાવી દઈએ કે હિંદુ પક્ષ તરફથી એવો દાવો કરવામાં આવે છે કે ઔરંગઝેબે 1670માં મંદિરનો ધ્વંસ કર્યો હતો. ઈદગાહ મસ્જિદ ગેરકાયદેસર અતિક્રમણ દ્વારા બનાવવામાં આવી છે. હિન્દુ પ્રતીકો, મંદિરના સ્તંભોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને હિન્દુઓને પૂજા કરતા રોકવામાં આવી રહ્યા હતા.

તો બીજી બાજુ મુસ્લિમ પક્ષનો દાવો એવો છે કે મંદિરને તોડીને મસ્જિદ બનાવવાના ઇતિહાસમાં કોઈ પુરાવા મળતા નથી. હકીકતોને વિકૃત કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટને 1968ના કરાર સામે કોઈ વાંધો નથી. પૂજા સ્થળ અધિનિયમનું પાલન કરવું જોઈએ.

mathura supreme court allahabad national news india hinduism