પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતો સામે પગલાં લેવાને બદલે સરકાર આંખ બંધ કરીને બેઠી છે : સુપ્રીમ કોર્ટ

28 February, 2024 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) એવી ઘણી ઍડ્વર્ટાઇઝમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ઍલોપથી અને ડૉક્ટરો વિશે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ

યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ દ્વારા ભ્રામક અને ખોટી જાહેરાતના કેસમાં કોઈ પગલાં ન લેવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર તાત્કાલિક પગલાં લેવાને બદલે આંખો બંધ કરીને બેઠી છે. આ પ્રકારની જાહેરાતો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. બેન્ચે કંપનીને એની દવાઓ વિશેની ભ્રામક માહિતી આપતી તમામ ઇલેક્ટ્રૉનિક અને પ્રિન્ટ ઍડ્વર્ટાઇઝમેન્ટ અટકાવવાનો નિર્દેશ આપ્યો હતો. 

નિવૃત્ત તત્કાલીન સીજેઆઇ એનવી રમન્નાએ કહ્યું હતું કે ‘ગુરુ સ્વામી રામદેવનો અમે આદર કરીએ છીએ, કારણ કે તેમણે યોગને લોકપ્રિય બનાવ્યો છે, પરંતુ તેમણે અન્ય સિસ્ટમની ટીકા ન કરવી જોઈએ. આ પ્રકારની જાહેરાતો ડૉક્ટરો જાણે હત્યારા હોય એવો આરોપ મૂકે છે.’ 

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) એવી ઘણી ઍડ્વર્ટાઇઝમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ઍલોપથી અને ડૉક્ટરો વિશે ભ્રામક માહિતી ફેલાવવામાં આવી હતી. એ ઉપરાંત લોકોને ગેરમાર્ગે દોરવા માટે આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા અપમાનજનક નિવેદન પણ કરવામાં આવ્યાં હતાં. આઇએમએના એક વકીલે જણાવ્યું હતું કે આ કમર્શિયલ સૂચવે છે કે મૉડર્ન મેડિસિન લેવા છતાં મેડિકલ પ્રૅક્ટિશનર્સ પોતે મૃત્યુ પામી રહ્યા છે.

national news supreme court