દિલ્હી કા કિંગ કેજરીવાલ

12 May, 2023 11:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકાર સાથેની ટસલમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારને મળી ભવ્ય જીત , વહીવટીતંત્ર પર કન્ટ્રોલ મેળવ્યો

નવી દિલ્હીમાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હીના સચિવાલય ખાતે મીડિયાને સંબોધતા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ. તસવીર પી.ટી.આઇ.

કેન્દ્ર સરકારની સાથે સત્તા માટે લાંબા સમયથી ચાલી રહેલી લડાઈમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકારની શાનદાર જીત થઈ છે. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે સર્વિસિસ પર દિલ્હી સરકારનો જ અચૂક કન્ટ્રોલ હોવો જોઈએ અને ઉપરાજ્યપાલ એના નિર્ણયથી બંધાયેલા છે. ઉપરાજ્યપાલ દિલ્હીને સંબંધિત તમામ મુદ્દા પર વહીવટી સુપર​વિઝન ન કરી શકે.

સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે પોલીસ, કાયદો-વ્યવસ્થા અને જમીન સિવાય બાકી તમામ વહિવટીય નિર્ણયો લેવા માટે દિલ્હીની સરકાર સ્વતંત્ર રહેશે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે ચૂંટાયેલી સરકારનો વહીવટી તંત્ર પર કન્ટ્રોલ હોવો જોઈએ. 

સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના અધિકારનો વ્યાપ વધુ વધારવો એ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. દિલ્હી બીજાં રાજ્યોની સમાન જ છે. શાસનના લોકતાં​ત્રિક સ્વરૂપમાં વહીવટનો ખરો અધિકાર ચૂંટાયેલી સરકાર પાસે હોવો જોઈએ.’

બેન્ચે સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘જો લોકતાં​ત્રિક રીતે ચૂંટાયેલી સરકારના અધિકારીઓને કન્ટ્રોલ કરવાનો અધિકાર ન આપવામાં આવે તો ઉત્તરદાયિત્વની ​ટ્રિપલ ચેઇનનો સિદ્ધાંત નિરર્થક થઈ જાય છે. જો અધિકારી પ્રધાનોને રિપોર્ટ કરવાનું બંધ કરી દે છે કે પછી તેમના આદેશોનું પાલન કરતા નથી તો પછી સામૂહિક ઉત્તરદાયિત્વના સિદ્ધાંતને અસર થાય છે.’
પાંચ જજોની આ બંધારણીય બેન્ચે એ સવાલનો જવાબ આપ્યો હતો કે દિલ્હીમાં બ્યુરોક્રેટ્સની ટ્રાન્સફર અને પોસ્ટિંગ પર કોનો વહીવટી કન્ટ્રોલ છે. 

નવી દિલ્હીમાં ગઈ કાલે ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરી રહેલા આમ આદમી પાર્ટીના લીડર્સ અને સપોર્ટર્સ. તસવીર પી.ટી.આઇ.

કેજરીવાલ સરકારે કોર્ટમાં શું અપીલ કરી હતી?

કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં માગણી કરી હતી કે દિલ્હીમાં જમીન અને પોલીસ જેવી કેટલીક બાબતો સિવાય બાકી તમામ મામલે દિલ્હીની ચૂંટાયેલી સરકારનો અધિકાર હોવો જોઈએ. કેજરીવાલ સરકારે એમ પણ કહ્યું હતું કે દિલ્હીનું વહીવટીતંત્ર ચલાવવા માટે આઇએએસ અધિકારીઓ પર રાજ્ય સરકારનો પૂરેપૂરો કન્ટ્રોલ હોવો જોઈએ.

 અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ. કેજરીવાલ જેના માટે ખૂબ જ આતુર હતા એ તેમણે મેળવ્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમની સરકારમાં અધિકારીઓની મોટા પાયે ટ્રાન્સફર કરવામાં આવશે. એનો અર્થ એ છે કે દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ ઇન્ડસ્ટ્રી ઊભી થશે. - વીરેન્દ્ર સચદેવ, દિલ્હી બીજેપીના અધ્યક્ષ 

મામલો શું છે?

દિલ્હીમાં વિધાનસભા અને સરકારના કામકાજ માટે એક રૂપરેખા પૂરી પાડવા માટે દિલ્હીના નૅશનલ કૅપિટલ પ્રદેશની સરકાર કાયદો, ૧૯૯૧ લાગુ છે. ૨૦૨૧માં કેન્દ્ર સરકારે એમાં સુધારો કર્યો હતો. આ સુધારા હેઠળ દિલ્હીમાં સરકારના કામકાજને લઈને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં ઉપરાજ્યપાલને કેટલાક વધારાના અધિકાર આપવામાં આવ્યા હતા. આ સુધારા અનુસાર ચૂંટાયેલી સરકાર માટે કોઈ પણ નિર્ણય માટે ઉપરાજ્યપાલનો અભિપ્રાય મેળવવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

જસ્ટિસ એ. કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણે આ પહેલાં શું ચુકાદો આપ્યો હતો?

૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના આ મુદ્દે બે જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. જોકે બંને જજ - જસ્ટિસ એ. કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણે અલગ-અલગ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ એ. કે. સીકરીએ સ્વીકાર્યું હતું કે દિલ્હી સરકારનો પોતાને ત્યાં કામ કરી રહેલા અધિકારીઓ પર કન્ટ્રોલ હોવો જોઈએ. જોકે તેમણે જણાવ્યું હતું કે જૉઇન્ટ સેક્રેટરી કે એનાથી હાયર લેવલના અધિકારીઓ પર કેન્દ્ર સરકારનો કન્ટ્રોલ રહેશે. એનાથી નીચેના લેવલના અધિકારીઓ પર કન્ટ્રોલનો અધિકાર દિલ્હી સરકારની પાસે રહેશે.

જસ્ટિસ અશોક ભૂષણે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા અધિકારીઓ પર દિલ્હી સરકારનો કન્ટ્રોલ ન હોવો જોઈએ. આ અલગ-અલગ ચુકાદા બાદ આ મામલો ત્રણ જજની બેન્ચને મોકલવામાં આવ્યો હતો. 

કેન્દ્ર સરકારની પાસે શું વિકલ્પ છે?

કેન્દ્ર સરકાર માટે આ ચુકાદો ખૂબ જ મોટા આંચકા સમાન છે. જોકે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ રિવ્યુ પિટિશન ફાઇલ કરી શકે છે કે પછી એને લાર્જર બેન્ચની પાસે મોકલવાની અપીલ કરી શકે છે. જો રિવ્યુ પિટિશન પર પણ સુપ્રીમ કોર્ટ દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો આપે છે તો ક્યુરેટિવ અપીલ પણ દાખલ કરવામાં આવી શકે છે. એ સિવાય કેન્દ્ર સરકારની પાસે સંસદમાં કાયદો લાવીને એને બદલવાનો પણ વિકલ્પ છે. જોકે આ કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. 

national news arvind kejriwal aam aadmi party supreme court bharatiya janata party